Sunday, July 13, 2025
Homeરાજ્યહાલારદ્વારકામાં પત્નીની હત્યા નિપજાવવાના કેસમાં પતિને આજીવન કારાવાસની સજા

દ્વારકામાં પત્નીની હત્યા નિપજાવવાના કેસમાં પતિને આજીવન કારાવાસની સજા

દ્વારકામાં રૂક્ષ્મણી ગેટ પાસે રહેતા લખમણભા કરમણભા સુમણીયા નામનો શખ્સ છેલ્લા ઘણા સમયથી કોઈ કામ ધંધો કરતો ન હતો. તેમના પત્ની સંતોકબેન નગરપાલિકામાં નોકરી કરતા હતા. આથી આરોપી લખમણભાને આ બાબત પસંદ ન હતી. જેના કારણે દંપતિ વચ્ચે અવારનવાર ઝઘડો થતો હતો.

- Advertisement -

આ દરમિયાન તા. 20 ફેબ્રુઆરી 2022 ના રોજ લખમણભા તેમજ તેમના પત્ની સંતોકબેન વચ્ચે બોલાચાલી થઈ હતી. આ સમયે અહીં રહેલા તેઓના પુત્ર સુનિલભા સુમણીયા તેઓ વચ્ચે પડીને છોડાવવા જતા આરોપી લખમણભાએ તેની સાથે ઝઘડો કર્યો હતો. આ દરમિયાન સુનીલભા જે-તે સમયે ઘર છોડીને કામ પર ચાલ્યા ગયા હતા.

ત્યારબાદ આરોપી લખમણભાએ તેમના પત્ની સંતોકબેન સાથે ઝઘડો કરી, ફળિયામાં રહેલા ધારદાર કુહાડાના બે ઘા સંતોકબેનના માથા પર ઝીંકી દેતા આ પ્રાણઘાતક હુમલો સંતોકબેન માટે જીવલેણ સાબિત થયો હતો. અને તેઓ લોહી લુહાણ થઈ ગયા હતા. આ દરમિયાન આરોપી લખમણભાએ પણ એસિડ પી લીધું હતું.

- Advertisement -

આ બનાવ બાદ બંનેને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત ગંભીર હોવાથી વધુ સારવાર માટે જામ ખંભાળિયાની હોસ્પિટલમાં લઈ જવામાં માટે જણાવાયું હતું. સંતોકબેનને 108 એમ્બ્યુલન્સમાં લઈ જવાતા માર્ગમાં જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા અને તેમને પુન: દ્વારકાની સરકારી હોસ્પિટલમાં લાવવામાં આવતા ફરજ પરના તબીબોએ સંતોકબેનને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

આ અંગે જગદીશભા લખમણભા સુમણીયાની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે હત્યાની કલમ 302 સહિત જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. અને આરોપી વિરુદ્ધ પૂરતા પુરાવાઓ સાથે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવ્યું હતું.
આ કેસ દ્વારકાની એડિશનલ સેશન્સ કોર્ટમાં ચાલી જતા આ સમગ્ર પ્રકરણમાં મદદનીશ જિલ્લા સરકારી વકીલ અમિતભાઈ વ્યાસ દ્વારા વિવિધ મુદ્દાઓ સાથે સવિસ્તૃત દલીલો રજુ કરતા દ્વારકાના જજ શ્રી કે.જે. મોદી દ્વારા આરોપી લખમણભા કરમણભા સુમણીયાને તકસીરવાન ઠેરવી, આજીવન કેદની સજા તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular