જામનગર જિલ્લાના લાલપુર તાલુકા પંચાયતની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણી યોજાઈ હતી, જેમાં પ્રમુખ પદે ભાજપ સમર્થિત દિવ્યાબા અજયસિંહ જાડેજા વિજેતા બન્યા હતા. જ્યારે ઉપપ્રમુખ પદે આમ આદમી પાર્ટીના ભાવનાબેન કિશોરભાઈ પરમાર વિજયી જાહેર થયા હતા.

લાલપુર તાલુકા પંચાયતમાં કુલ અઢાર બેઠકો છે. જેમાં આમ આદમી પાર્ટીના નવ ઉમેદવારો વિજેતા બન્યા હતા, જ્યારે ભાજપને છ બેઠકો મળી હતી. કોંગ્રેસના ફાળે એક બેઠક ગઈ હતી તેમજ અન્ય બે અપક્ષ ઉમેદવારો પણ વિજયી બન્યા હતા. પરિણામે તાલુકા પંચાયતની સત્તા રચનાને લઈને રાજકીય રીતે પેચીદો માહોલ સર્જાયો હતો.
આ દરમિયાન દિવ્યાબા અજયસિંહ જાડેજાએ ભાજપ સાથે પુન: જોડાણ કરતાં પ્રમુખ પદની ચૂંટણીમાં રાજકીય સમીકરણો બદલાયા હતા. ત્યારબાદ યોજાયેલી ચૂંટણીમાં ચીઠ્ઠી નાખ્યા બાદ દિવ્યાબા જાડેજા પ્રમુખ પદે વિજેતા બન્યા હતા.
ચૂંટણી બાદ તાલુકા પંચાયત કચેરી ખાતે સમર્થકો અને કાર્યકરોમાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો. વિજેતા ઉમેદવારોને શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રમુખ પદે વરણી થતા દિવ્યાબા જાડેજાએ તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરી તાલુકાના વિકાસ માટે સૌને સાથે લઈને કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હોવાનું જાણવા મળે છે.
સાંસદ પૂનમબેન માડમ, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ગુજરાતના પ્રમુખ ગોવુભા કાથળજી જાડેજા (ડાડા), જામનગર જિલ્લાના પ્રભારી દિલીપભાઈ બારડ, જિલ્લા પ્રમુખ વિનુભાઈ ભંડેરી પૂર્વ ધારાસભ્ય ચિરાગભાઈ કાલરીયા તેમજ ભાજપના વરિષ્ઠ આગેવાનો મહેનત રંગ લાવી અને ભાજપે લાલપુર તાલુકા પંચાયત કબ્જે કરી હતી.


