Thursday, July 10, 2025
Homeરાજ્યજામનગરમોટી ભલસાણમાં આભ ફાટયું, 10 ઇંચ વરસાદ

મોટી ભલસાણમાં આભ ફાટયું, 10 ઇંચ વરસાદ

પીપરટોડામાં સાડા પાંચ ઇંચ, ભલસાણ બેરાજા, મોટા વડાળા, મોટા પાંચદેવડામાં પાંચ-પાંચ ઇંચથી જળબંબાકાર : જોડિયા તાલુકામાં ચાર કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકયો : જામનગર શહેરમાં પણ પોણા બે ઇંચ વરસાદ

જોડિયામાં સવા સાત ઇંચ, કાલાવડમાં પોણા પાંચ ઇંચ, ધ્રોલમાં પોણો ઇંચ, લાલપુરમાં પોણા બે ઇંચ અને જામજોધપુરમાં અઢી ઇંચ સાથે જામનગર જિલ્લામાં ગઇકાલે રવિવારે સચરાચર મેઘમહેર જોવા મળી હતી. જામનગર શહેરમાં પણ મેઘરાજાની પધરામણીથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જામનગર જિલ્લાના મોટી ભલસાણમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી. જામનગર જિલ્લામાં અડધાથી દસ ઇંચ સુધી વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવા સહિતની સમસ્યાઓ જોવા મળી હતી. બીજી તરફ મેઘસવારથી જામનગરના શહેરીજનો માટે જીવાદોરીસમાન રણજિતસાગર ડેમ ઓવરફ્લો થયો હતો. આ ઉપરાંત વાગડિયા ડેમ પણ 100 ટકા ભરાયો હતો.

- Advertisement -

જામનગર શહેર-જિલ્લામાં અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ગઇકાલે બપોરબાદ વાતાવરણમાં પલ્ટા સાથે મેઘસવારી આવી પહોંચી હતી. જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં છેલ્લા 24 કલાક દરમ્યાન સવા સાત ઇંચ, કાલાવડમાં પોણા પાંચ ઇંચ, જામજોધપુરમાં અઢી ઇંચ, લાલપુરમાં પોણા બે ઇંચ, જામનગરમાં પોણા બે ઇંચ તથા ધ્રોલમાં પોણો ઇંચ પાણી વરસી ગયું હતું. જિલ્લાભરમાં એકસાથે વરસાદના આગમનથી શહેરીજનોને ગરમીમાંથી રાહત મળી હતી. તો બીજીતરફ ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ હતી. બપોરબાદ વાતાવરણમાં પલ્ટો આવ્યા બાદ જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં ગઇકાલે બપોરબાદ ચારથી રાત્રે આઠ વાગ્યા સુધીની ચાર કલાકમાં 6 ઇંચથી વધુ વરસાદ ખાબકતાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઇ હતી. કાલાવડમાં પણ માત્ર ચાર કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ ખાબકયો હતો. જામનગર શહેરમાં પણ પોણા બે ઇંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા સામે આવી હતી. જામનગર શહેરમાં અને તાલુકાની સાથે સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. પરિણામે ચેકડેમો, ડેમોમાં નવા નિરની આવક થવા પામી હતી.

ગ્રામ્ય વિસ્તારોની વાત કરીએ તો, આજે સવારે 6 વાગ્યા પૂરા થતા 24 કલાક દરમ્યાન જામનગર તાલુકાના મોટી ભલસાણમાં સર્વાધિક 10 ઇંચ વરસાદ ખાબકયો હતો. જેના પરિણામે સર્વત્ર પાણી-પાણી થઇ ગયું હતું. આ ઉપરાંત જામનગર તાલુકામાં અલિયાબાડામાં 4 ઇંચ, મોટી બાણુંગારમાં સાડા પાચ ઇંચ, જામવંથલીમાં ત્રણ ઇંચ, ફલ્લામાં બે ઇંચ, દરેડમાં સવા ઇંચ, લાખાબાવળમાં 13 મી.મી., વસઇમાં 7 મી.મી., જોડિયા તાલુકાના હડિયાણામાં 3 ઇંચ, બાલંભામાં 2 ઇંચ, પીઠડમાં દોઢ ઇંચ, ધ્રોલ તાલુકાના લતીપુરમાં એક ઇંચ તથા જાલિયાદેવાણીમાં 6 મી.મી., લૈયારામાં ચાર મી.મી., કાલાવડ તાલુકાના ભલસાણ બેરાજામાં પાંચ ઇંચ, મોટા વડાળામાં પાંચ ઇંચ, મોટા પાંચ દેવડામાં પોણા પાંચ ઇંચ, ખરેડીમાં બે ઇંચ, નિકાવામાં પોણા બે ઇંચ, નવાગામમાં સાડા ત્રણ ઇંચ, જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં 3 ઇંચ, ધ્રાફામાં 3 ઇંચ, જામવાડી તથા પરડવામાં બે-બે ઇંચ, વાંસજાળિયા અને ધુનડામાં એક-એક ઇંચ, સમાણામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. લાલપુર તાલુકાના પીપરટોડામાં સાડા પાંચ ઇંચ, હરિપરમાં સાડા ચાર ઇંચ, મોટા ખડબામાં બે ઇંચ, ભણગોરમાં પોણો ઇંચ, મોડપરમાં અડધો ઇંચ, પડાણામાં આઠ મી.મી. વરસાદ વરસ્યો હતો.

- Advertisement -

ગ્રામ્ય વિસ્તારોમાં મૂશળધાર વરસાદથી ડેમોમાં પણ નવા નિરની આવક થવા પામી હતી. ઉપરવાસમાં થયેલ સારા વરસાદથી જામનગર શહેરમાં પીવાના પાણી માટે જીવાદોરીસમાન રણજિતસાગર ડેમ પણ ઓવરફલો થયો હતો. આ ઉપરાંત જામનગર તાલુકાનો વાગડિયા ડેમ પણ 100% ભરાયો છે. રણજિતસાગર ડેમ ઓવરફ્લો થતાં જામનગરમાં રંગમતિ નદીમાં પાણીની આવક શરૂ થઇ હતી. જામનગર શહેરમાં ગઇકાલે બપોરબાદ થયેલા વરસાદથી શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. તો બીજીતરફ ગરમીથી રાહત મળવાની સાથે મેઘરાજાની પધરામણીથી શહેરીજનોએ વરસાદમાં ન્હાવાની મજા પણ માણી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular