Saturday, April 20, 2024
Homeરાજ્યજામનગરVIDEO : હાલારમાં અવિરત મેઘસવારી, બે ઈંચ વરસાદ

VIDEO : હાલારમાં અવિરત મેઘસવારી, બે ઈંચ વરસાદ

વરસાદની સૌથી વધુ ખાધ ધરાવતા લાલપુરમાં સવારે ધોધમાર બે ઈંચ ખાબકયો : જામનગર શહેરમાં પણ સવારથી જામ્યો વરસાદી માહોલ : દ્વારકા જિલ્લામાં છેલ્લાં ચાર દિવસથી વરસી રહ્યો છે ભાદરવાનો ભરપૂર વરસાદ

- Advertisement -

જામનગર, ખંભાળિયા સહિત સમગ્ર હાલારમાં છેલ્લાં ચાર દિવસથી ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાકમાં હાલારમાં અડધાથી માંડીને બે ઈંચ સુધીના વરસાદથી ખેતરોમાં લહેરાતા પાકને સંજીવની પ્રાપ્ત થઈ છે. જયારે છૂટા છવાયા વિસ્તારોમાં વરસતા ભારે વરસાદને કારણે જરાશયોમાં પણ નવા નીરની આવક થવા પામી છે. ખંભાળિયામાં મોસમનો કુલ વરસાદ 50 ઈંચને પાર કરી ગયો છે.

- Advertisement -

જામનગર શહેર અને જિલ્લામાં ચાર દિવસથી ટીપીકલ ભાદરવો વરસી રહ્યો છે. જિલ્લાના તમામ છ તાલુકામાં આજે સવારે છ વાગ્યે પૂરા થતાં છેલ્લાં 24 કલાક દરમિયાન ઝાપટાંથી માંડીને એક ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજે સવારથી સમગ્ર જિલ્લામાં મેઘાવી માહોલ વચ્ચે ભારે ઝાપટાંના સ્વરૂપમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લાં 24 કલાક દરમિયાન કાલાવડ તાલુકામાં 20 મિ.મી., જામજોધપુર 26, જામનગર 4, જોડિયા 19, ધ્રોલ 5 તથા લાલપુરમાં 10 મિ.મી. વરસાદ વરસ્યો હતો. ત્યારબાદ આજેસવારે પણ ફરીથી વરસાદી માહોલ જામતા કાલાવડમાં સવારે 10 વાગ્યા સુધીમાં 21, જામજોધપુરમાં 10, જામનગરમા 13, જોડિયામાં 4, ધ્રોલમાં 4 તથા લાલપુરમાં સૌથી વધુ 40 મિ.મી. વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગાજવીજ સાથેના વરસાદનો સિલસિલો યથાવત રહ્યો છે. કાલાવડ તાલુકાના મોટા વડાળામાં સૌથી વધુ પોણા બે ઈંચ વરસાદ વરસ્યો હતો. જ્યારે લૈયારા, નિકાવા, ખરેડી, નવાગામ, શેઠવડાળા, વાંસજાળિયા, ધુનડા, ધ્રાફા, પરડવા, ધુતારપર, વસઈ સહિતના વિસ્તારોમાં એક ઈંચ જેટલું પાણી વરસ્યું હતું.

- Advertisement -

ચોમાસાનો અંતિમ તબકકો ચાલી રહ્યો છે ત્યારે સતત ત્રીજા વર્ષે જામનગર જિલ્લામાં મોસમનો કુલ વરસાદ 100 ટકાની નજીક પહોંચી ગયો છે. જિલ્લામાં સરેરાશ 94 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ જોડિયા તાલુકામાં 138 ટકા જ્યારે ધ્રોલ તાલુકામાં 108 ટકા વરસાદ નોંધાઈ ચૂકયો છે. જામનગર જિલ્લામાં સૌથી ઓછો વરસાદ આ વર્ષે લાલપુર તાલુકામાં નોંધાયો છે. અહીં મોસમનો કુલ વરસાદ માત્ર 62 ટકા જ થયો છે. લાલપુર તાલુકામાં હજુ 38 ટકા જેટલી વરસાદની ખાધ પ્રવર્તી રહી છે. જામનગર શહેરમાં પણ હજુ વરસાદની 20 ટકા ખાધ પ્રવર્તી રહી છે અહીં મોસમનો 80 ટકા વરસાદ નોંધાયો છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સપ્તાહથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. છેલ્લા કેટલાક દિવસોથી દરરોજ નિયમીત રીતે મેઘરાજા તેમનું હળવું વ્હાલ વરસાવે છે. ખંભાળિયા પંથકમાં ગઈકાલે સોમવારે રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે હળવા ઝાપટા રૂપે 6 મિલિમિટર પાણી પડી ગયું હતું. આ ઉપરાંત આજે સવારથી છવાયેલા ઘટાટોપ વરસાદી વાતાવરણ વચ્ચે સાડા આઠેક વાગ્યાથી શરૂ થયેલો વરસાદ સતત એકાદ કલાક સુધી વરસ્યો હતો અને વધુ દોઢ ઈંચ 36 મી.મી. પાણી વરસાવી દીધું હતું. છેલ્લા 12 કલાકના સમયગાળામાં 42 મિલીમીટર સાથે ખંભાળિયા તાલુકાનો મોસમનો કુલ વરસાદ સાડા 50 ઈંચ (1260 મિલીમીટર) થવા પામ્યો છે.

- Advertisement -

આ ઉપરાંત ભાણવડ પંથકમાં પણ ગતરાત્રિના 27 મિલીમીટર વરસાદ બાદ આજે સવારે પણ વધુ 12 મિલીમીટર પાણી પડી ગયું છે. ભાણવડ તાલુકાનો મોસમનો કુલ વરસાદ 628 મિલીમીટર થવા પામ્યો છે. કલ્યાણપુર તાલુકામાં રાત્રે 9 મિલીમીટર તથા આજે સવારે વધુ 14 મિલીમીટર મળી કુલ 23 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જ્યારે દ્વારકા પંથકમાં આજે સવાર સુધી 9 મિલીમીટર પાણી વરસી ગયું છે. સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 151 ટકા અને અને સૌથી ઓછો ભાણવડ તાલુકામાં 85 ટકા સાથે જિલ્લાનો કુલ સરેરાશ વરસાદ 119.34 ટકા થયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular