જામજોધપુરમાં ગાંધેશ્વર રેલવે ફાટક નજીક બસ હડફેટે બળદને રાત્રિના સમયે ટ્રેકટરમાં ચડાવતા ત્રણ લોકોને પોલીસ ઇન્સ્કેટરની ક્રેટા કારે હડફેટ લેતા બે વ્યકિતના ઘટના સ્થળે કમકમાટીભર્યા મોત નિપજ્યાં હતાં જ્યારે એક સાધુને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. ગમખ્વાર અકસ્માતના બનાવમાં મૃતકના પુત્રના નિવેદનના આધારે પીઆઇ વિરૂઘ્ધ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ગમખ્વાર અકસ્માતના બનાવની વિગત મુજબ તા. 23 જુલાઈની રાત્રે જામજોધપુરમાં ગાંધેશ્વર રેલવે ફાટક નજીક એસ. ટી. બસની ટક્કરથી ઘાયલ થયેલા બળદને ટ્રેક્ટરમાં ચડાવવાની કામગીરી ચાલી રહી હતી. તે સમયે નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી, જામવાડી ગામના રોનકભાઈ અશોકભાઈ ખાંટ તેમજ સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણી સહિતના લોકો મદદ કરી રહ્યા હતા. આ દરમિયાન રાત્રે આશરે 8:30 વાગ્યે જામજોધપુર તરફથી આવી રહેલી જીજે11 સીએલ 2801 નંબરની ક્રેટા કાર પુરપાટ બેફિકરાઇથી આવી રહી હતી. અને આ બેફિકરાઇથી આવી રહેલી કારે ઇજાગ્રસ્ત બળદને ટ્રેકટરમાં ચઢાવવા મદદ કરી રહેલા ત્રણ વ્યક્તિઓને ઠોકરે ચઢાવી હડફેટ લીધા હતા. અકસ્માતમાં નુંધાભાઈ નાથાભાઈ ભોજાણી અને રોનકભાઈ અશોકભાઈ ખાંટને ગંભીર ઇજાઓ થતાં તેમને જામજોધપુર સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ બંનેને મૃત જાહેર કર્યા હતા. જ્યારે સાધુ રામદાસ ઉર્ફે રમેશ મૈયારામ દેસાણીને ગંભીર ઇજાઓ થતાં તેમને વધુ સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતના બનાવ બાદ ક્રેટા કારના ચાલક પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ ચૌહાણે ઇજાગ્રસ્ત સાધુને પોતાની કારમાં સારવાર માટે હોસ્પિટલ પહોંચાડ્યા હતાં. આ દુર્ઘટનાએ જામજોધપુર પંથકમાં ભારે અરેરાટી ફેલાવી છે. એક તરફ અકસ્માત બાદ ઇજાગ્રસ્તને હોસ્પિટલ પહોંચાડવાની કાર્યવાહી કરવામાં આવી હતી, તો બીજી તરફ હવે નોંધાયેલી ફરિયાદના આધારે જામજોધપુરના પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશભાઈ ચૌહાણ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જો કે, સમગ્ર ઘટનામાં બેદરકારીપૂર્વક અને ગફલતભરી રીતે વાહન હંકારવાના આક્ષેપ સાથે મૃતક નુંધાભાઈ ભોજાણીના પુત્ર મહેશભાઈ નુંધાભાઈ ભોજાણી દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસવડા ડો. રવિમોહન સૈની પણ મોડી રાત્રે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાની માહિતી મેળવી જરૂરી તપાસ તથા કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.


