Saturday, June 14, 2025
Homeરાજ્યહાલારકલ્યાણપુર પંથકમાં રવિવારે ધોધમાર ત્રણ ઈંચ કમોસમી વરસાદ

કલ્યાણપુર પંથકમાં રવિવારે ધોધમાર ત્રણ ઈંચ કમોસમી વરસાદ

જામજોધપુરમાં દોઢ ઇંચ, લાલપુરમાં એક ઇંચ : ખેતરોમાં પાણી ભરાયા : ખંભાળિયામાં અવિરત ઝાપટા વરસ્યા

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી મેઘરાજાનો મુકામ રહ્યો છે. ત્યારે ગઈકાલે રવિવારે કલ્યાણપુર તાલુકામાં ત્રણ ઈંચ સુધીનો વરસાદ વરસી જતા ઠેર ઠેર ધસમસતા પાણી વહ્યા હતા. તેમજ જામનગર જિલ્લામાં પણ રવિવારે ચોમાસા જેવો કમોસમી વરસાદ વરસ્યો હતો. જેમાં જામજોધપુરમાં દોઢ અને લાલપુરમાં એક ઇંચ વરસાદ પડયો હતો.

- Advertisement -

કલ્યાણપુર તાલુકામાં રવિવારે બપોરે આશરે ત્રણેક વાગ્યાથી ધોધમાર કમોસમી વરસાદ શરૂ થતા સાંજ સુધીમાં 3 ઈંચ (72 મિલીમીટર) પાણી વરસી જવા પામ્યું હતું. મેઘરાજાએ ટાણે રૌદ્ર સ્વરૂપ દેખાડ્યું હોય તેમ કલ્યાણપુર તાલુકાના ભીંડા, રાજપરા, ધતુરીયા, ભોગાત વિગેરે ગામોમાં તેજ પવન સાથે વાઝડી જેવા આ વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને કેટલાક સ્થળોએ નાની-મોટી નુકસાની પણ થવા પામી હતી. ભર ચોમાસામાં હોય તેવા માહોલ વચ્ચે નાના ચેકડેમોમાં પુષ્કળ પાણીની આવક થવા પામી હતી. ખંભાળિયા તાલુકામાં પણ શનિવારના 10 મી.મી. વરસાદ બાદ ગઈકાલે રવિવારે બપોરથી સાંજ સુધી અવિરત રીતે વરસાદી વાદળોની જમાવટ વચ્ચે હળવા વરસાદી ઝાપટા વરસ્યા હતા. જેથી માર્ગો તરબતર બન્યા હતા. આ સાથે ખંભાળિયા-ભાણવડ પટ્ટીના ગામોમાં અડધાથી એક ઈંચ સુધીનો વરસાદ વરસી ગયો હતો.

દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકામાં શનિવારે એક ઈંચ (23 મીલીમીટર) વરસાદ નોંધાયો હતો. જ્યારે છેલ્લા બે દિવસના સમયગાળામાં દ્વારકા પંથક મોટાભાગે કોરો ધાકોળ બની રહ્યો હતો. સોમવારે સવારે આઠ વાગ્યા સુધીમાં કલ્યાણપુરમાં 112 મિલીમીટર, ભાણવડમાં 99 મિલીમીટર અને ખંભાળિયામાં 74 મિલીમીટર કમોસમી વરસાદ નોંધાયો છે. આ પરિસ્થિતિમાં અનેક ખેડૂતોને નાની-મોટી નુકસાની થવા પામી છે. જ્યારે આજે સવારથી રાબેતા મુજબ વાતાવરણ ખુલ્લુ બની રહ્યું હતું.

- Advertisement -

જામનગર જિલ્લામાં પણ બે દિવસથી હવામાન પલ્ટાયું હતું અને રવિવારે જામનગર જિલ્લાના જામજોધપુરમાં કમોસમી વરસાદ વરસતા દોઢ ઇંચ જેટલું પાણી આકાશમાંથી વરસાદી દીધું હતું. તેમજ લાલપુરમાં પણ એક ઇંચ પાણી આકાશમાંથી વરસતા શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા. ઉપરાંત ધ્રોલમાં પણ જોરદાર ઝાપટારૂપે પાંચ મીમી પાણી પડયાના અહેવાલ છે. આમ, હાલારમાં છૂટોછવાયો કમોસમી વરસાદ વરસતાં પાણીના ઝાપટાથી લઇને ત્રણ ઇંચ જેટલું પાણી વરસાવી દીધું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular