
જામનગર પોલીસ હેડકવાર્ટર ખાતે આવેલા માઉન્ટેન વિભાગમાં રહેલા ત્રણ અશ્વના એક સપ્તાહ દરમિયાન મોત નિપજતા પશુચિકિત્સક ટીમે ત્રણેય અશ્વના પીએમ કરાવી પૃથ્થકરણ માટે અમદાવાદ અને હરિયાણાની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યાં છે.
આ અંગેની વિગત મુજબ, જામનગર પોલીસ હેડકવાર્ટરમાં માઉન્ટેન વિભાગમાં એક ડઝનથી વધુ અશ્વ જોડાયેલા છે. આ પૈકીના હરણી નામની 16 વર્ષની મારવાડી નસલના માદા અશ્વનું ગત તા.27 ના ટૂકી બીમારી સબબ મોત નિપજ્યું હતું. ત્યારબાદ તા.30 ના રોજ 23 વર્ષના કાઠીયાવાડી નસલના ચેતક નામના નર અશ્વનું પણ બીમારી સબબ મોત નિપજ્યું હતું. ત્રણ દિવસ દરમિયાન બે અશ્વના મોત નિપજતા પોલીસ તંત્ર કામે લાગી ગયું હતું અને તે દરમિયાન જ તા.4 ના રોજ 16 વર્ષની મારવાડી નસલની સરીતા નામની માદા અશ્વનું પણ બીમારી સબબ મોત નિપજ્યું હતું. જેથી પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ જિલ્લાના પશુચિકિત્સક ડો. તેજશ શુકલા અને તેમની ટીમ દ્વારા સ્થળ પર પહોંચી જઈ તેમના પીએમ કરાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને નમૂના મેળવી અમદાવાદ તેમજ હરિયાણાની પશુ લેબેોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલવામાં આવ્યા હતાં.