છેલ્લાં 16 દિવસથી ચાલી રહેલા સસ્પેન્સ કેસનો અંત આવ્યો. મેઘાલય હનીમુનમાં ગયેલા રાજા રઘુવંશીની હત્યાનો ખુલાસો થયો છે. પોલીસે માહિતી આપતા જણાવ્યું છે કે, સોનમ રઘુવંશી ગાઝીપુરના એક ઢાબામાંથી મળી આવી છે અને તેની ધરપકડ કરાઈ છે.

સોનમ પોતાના અફેરને કારણે રાજાની હત્યાનું કાવતરું ઘડી રહી હતી. આ કેસમાં ઈન્દોરથી બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક આરોપી ઉત્તર પ્રદેશનો રહેવાસી છે જે હજુ પણ ફરાર છે જાણો શું છે પુરી ઘટના…
રવિવારે 3 થી 4 વાગ્યા વચ્ચે સોનમ ગાઝીપુરના નંદગંજમાં એક ઢાબા પર પહોંચી. ત્યાંથી તેણે ઢાબાના માલિકના ફોન પરથી તેના ભાઈ ગોવિંદને વીડિયો કોલ કર્યો અને કહ્યું કે, તે ગાઝીપુરમાં છે. ગોવિંદે તરત જ ઈન્દોર પોલીસને જાણ કરી તેમણે ગાઝીપુર પોલીસનો સંપર્ક કર્યો. આ દરમિયાન ઢાબા માલિકે ઈમરજન્સી નંબર 112 ઉપર પણ ફોન કર્યો. પોલીસે ઘટના સ્થળે પહોંચીને સોનમને કસ્ટડીમાં લીધી અને તેને વન સ્ટોપ સેન્ટરમાં રાખી.
સોનમનો લગ્ન પહેલાં જ રાજ કુશવાદા નામના યુવક સાથે અફેર હતો. જેથી તેણે રાજાની હત્યાની યોજના બનાવી હતી. 20 મે ના હનીમુન માટે મેઘાલયમાં શિલોંગ ગયેલા રાજા અને સોનમ 23 મે ના નોંગરિયાટ ગામમાં હોમ રેસ્ટોરેટમાંથી ચેકઆઉટ પછીથી ગુમ થયા છે. 24 મે ના તેમની સ્કૂટી સોહરીમમાં મળી જ્યારે 2 જૂનના રાજાનો મૃતદેહ વેઈસાવડીંગ ધોધ પાસે ઉંડી ખાડીમાં મળી આવ્યો. જેનાથી હત્યાની પુષ્ટિ થઈ હતી.
પોલીસે આ કેસમાં સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી હતી. અત્યાર સુધીમાં ઈન્દોરથી ત્રણ આરોપીની ધરપકડ કરાઈ છે. જ્યારે એક ફરાર છે. ગાઝીપુરથી સોનમની ધરપકડ બાદ આ હત્યાના ઘણા રહસ્યો ખુુલવાની અપેક્ષા છે.