સીબીએસઈ દ્વારા ધો.10ની બોર્ડ પરીક્ષા રદ કરાયા બાદ હવે મેરિટ બેઝ માસ પ્રમોશન આપવામા આવનાર છે ત્યારે સેન્ટ્રલ બોર્ડ દ્વારા સ્કૂલોને વિદ્યાર્થીઓના માર્કસ મોકલવાની મુદતમા વધારો કરી દેવાયો છે.જેને પગલે ધો.10નુ પરિણામ જાહેર થવામા વિલંબ થશે અને પરિણામ હવે જુન બાદ જ જાહેર થશે. કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં સંક્રમણ ખૂબ જ વધતા અને સ્થિતિ વણસી જતા બોર્ડના લાખો વિદ્યાર્થીઓની પરીક્ષા લઈ શકાય તેમ ન હોવાથી વડાપ્રધાનની અધ્યક્ષતામા મળેલી હાઈલેવલ મીટીંગ બાદ કેન્દ્રિય શિક્ષણ મંત્રાલય દ્વારા ધો.10ની સીબીએસઈ બોર્ડ પરીક્ષા રદ કરવાની જાહેરાત કરાઈ હતી. પરીક્ષા રદ થતા સ્કૂલો દ્વારા લેવાયેલી પરીક્ષાઓના આધારે જ પરિણામ આપી મેરિટ બેઝ પ્રમોશનની જાહેરાત કરવામા આવી હતી.જેના પગલે હવે સ્કૂલોએ વિદ્યાર્થીઓની એકમ કસોટીઓ અને સત્ર પરીક્ષાના માર્કસ સીબીએસઈને મોકલવાના છે અને ત્યારબાદ બોર્ડ દ્વારા પરિણામ તૈયાર કરી માર્કશીટ ઈસ્યુ કરવામા આવશે. બોર્ડે અગાઉ સ્કૂલોને વિદ્યાર્થીઓની માર્કસની ગણતરી કરીને બોર્ડને મોકલવાની મુદત 11 જુન રાખી હતી અને 20 જુન સુધીમાં પરિણામ જાહેર થવાનુ હતુ. પરંતુ ઘણા રાજ્યોમાં કોરોનાને પગલે મે અંત સુધી લોકડાઉન લગાવી દેવાતા શિક્ષકો સ્કૂુલે ન જઈ શકતા અને સ્કૂલો બંધ રહેતા બોર્ડે માર્કસ ગણતરી મોકલવાની મુદત હવે 30 જુન સુધી કરી દીધી છે. સીબીએસઈ દ્વારા પોર્ટલ તૈયાર કરવામા આવ્યુ છે અને જેના પર સ્કૂલોએ માર્કસ ઓનલાઈન સબમીટ કરવાના છે.20 માર્કસ ઈન્ટરનલ ગણાશે અને 80 માર્કસ એક્સટર્નલ ગણાશે.સ્કૂલોએ 7 થી8 સભ્યોની રીઝલ્ટ કમિટી બનાવવાની છે અને જે વિદ્યાર્થીઓની પુરતી પરીક્ષા ન થઈ શકી હોય તેઓનું 25મે સુધીમાં ઓનલાઈન કે ટેલિફોનિક એસેસમેન્ટ કરવાનુ છે.