જામનગર શહેરમાં રહેતાં પ્રૌઢ તેની સ્ત્રીમિત્ર સાથે ડ્રાયફ્રૂટ્સ ખરીદવા ગયા ત્યારે દુકાનમાં પ્રૌઢ અને તેની મિત્ર ચોકલેટ ખાતા હોવાનો વિડિયો વાયરલ કરવાની ધમકી આપી બે શખ્સોએ રૂપિયા 50 હજાર પડાવી લીધા હતા. બીજીવખત વિડિયો બળજબરીપૂર્વક રૂા. એક લાખ આપવાની ના પાડતાં બન્ને શખ્સોએ પ્રૌઢને ગાળો કાઢી બદનામ કરવાની ધમકી આપી વિડિયો વાયરલ કરી નાખ્યો હતો.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરમાં વ્હોરાવાડ વિસ્તારમાં રહેતાં ફારૂકભાઇ ઉર્ફે રાજુભાઇ કાદરભાઇ ગજર (ઉ.વ.59) નામના વેપારી પ્રૌઢ તેની સ્ત્રીમિત્ર સાથે સુભાષ માર્કેટ નજીક આવેલી અબ્દુલસત્તાર ઉર્ફે અબુ કાસમ લાખાણી અને સમીર રાવકરડાની ડ્રાયફ્રૂટ્સની દુકાનમાં ડ્રાયફ્રૂટ્સ ખરીદવા ગયા હતા. તે દરમ્યાન પ્રૌઢ અને તેની મિત્રએ ખરીદી દરમ્યાન એકબીજાને ચોકલેટ ખવડાવી હતી. ત્યારબાદ ખરીદી કરી જતાં રહ્યાં હતાં. પરંતુ બાદમાં વેપારી અબુ લાખાણીએ સમીર રાવકરડાની મદદથી દુકાનમાં ચોકલેટ ખવડાવતા હોવાનો વિડિયો સીસીટીવીમાં કેદ થઇ જતાં આ બન્ને શખ્સોએ વેપારીને આ વિડિયો બતાવી વાયરલ કરવાની ધમકી આપી 20 દિવસ પહેલાં રૂા. 50 હજાર પડાવી લીધા હતા. ત્યારબાદ સીસીટીવીનો આ જૂનો વિડિયો મોબાઇલ ફોનમાં લઇ પ્રૌઢ વેપારી પાસે બળજબરીપૂર્વક વધુ રૂા. 1 લાખની માંગણી કરી હતી. વેપારીએ રૂપિયા આપવાની ના પાડતા અબ્દુલસત્તારએ પ્રૌઢ વેપારીને જેમ ફાવે તેમ ગાળો કાઢી ચોકલેટવાળો વિડિયો વાયરલ કરી નાખ્યો હતો.
વેપારીનો વિડિયો વાયરલ કરી દેતાં વેપારીની બદનામી કરી હતી. બન્ને શખ્સોએ સીસીટીવીના વિડિયોના આધારે વેપારી પાસેથી રૂા. 50 હજાર પડાવ્યા અને ત્યારબાદ વધુ રૂપિયા એક લાખ ન આપતા વિડિયો વાયરલ કરી નાખ્યો હતો. આમ, વેપારીએ રૂપિયા પણ ગૂમાવ્યા અને બદનામી પણ થઇ. ત્યારબાદ આ બનાવ અંગે વેપારી દ્વારા બે શખ્સો વિરૂઘ્ધ પોલીસ ફરિયાદ નોંધાવાતા પીએસઆઇ વી. આર. ગામેતી તથા સ્ટાફએ બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ આરંભી હતી.