અમારાં સ્વજનોને આખરે શું થયું હતું? કઈ દવાઓ અપાઈ હતી? અચાનક સ્થિતિ કેવી રીતે બગડી? મોત શી રીતે થયું? આ સવાલોના જવાબ દરેક દર્દીનાં સગાં જાણવા માગે છે. બંધારણે પણ આ અધિકાર આપ્યો છે, તો સરકાર કેમ આ સત્ય બહાર આવવા દેવા માગતી નથી?’
કોરોનાથી થતાં મોતના આંકડા છુપાવવા અમદાવાદ સિવિલ સહિત રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનાં સગાંને કેસ પેપરને બદલે માત્ર ડિસ્ચાર્જ કે ડેથ કાર્ડ અપાય છે. સરકાર પહેલેથી મોર્બિડ-કોમોર્બિડના ઓઠા હેઠળ મૃત્યુઆંક ઓછો બતાવવા પ્રયાસ કરી રહી છે. કોરોનાના દર્દીને કોમોર્બિડિટી એટલે કે બ્લડપ્રેશર, ડાયાબિટીસ, હૃદય, કિડની, કેન્સરની પહેલેથી બીમારી હોય અને જો મોત નીપજે તો એ કોરોનાથી થયેલાં મોતમાં ગણાતું નથી. જો દર્દી કે મૃતકનાં સગાંને કેસપેપરની વિગતો અપાય તો મોર્બિડ-કોમોર્બિડના ખેલની પોલ ખૂલી જાય, પણ દર્દીને કેસપેપર ન આપવાનો ઉપરથી જ આદેશ છે, એમ ડોક્ટરો કહી રહ્યા છે.
સિવિલના ડોક્ટરે નામ ન આપવાની શરતે કહ્યું હતું કે પોલિસી મુજબ દર્દીને ડિસ્ચાર્જ સમયે કેસપેપર અપાતા નથી. ફક્ત ડિસ્ચાર્જ સમરી અપાય છે. તેમાં સારવારની ટૂંકાણમાં માહિતી હોય છે. કેસપેપર હોસ્પિટલ રેકોર્ડ માટે રખાય છે. જોકે ખાનગી અને કેટલીક કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલો ફાઇલો આપી રહી છે, પરંતુ સિવિલમાં અરજી કરવાનું કહેવાય છે. કોરોનાના દર્દી કે મૃતકનાં સગાંને કેસપેપર ન આપવા અંગે રાજ્યભરની સિવિલ હોસ્પિટલ સત્તાવાળાઓને પૂછવામાં આવ્યું હતું. પરંતુ યોગ્ય જવાબો મળી શકયા નથી.
વડોદરાની બે મોટી હોસ્પિટલો સયાજી અને ગોત્રી હોસ્પિટલમાં કોરોનાના દાખલ દર્દીની શું સારવાર કરાઈ તેની ફાઈલ અપાતી નથી. સારવાર બાદ એક ડિસ્ચાર્જ કાર્ડ અપાય છે, જેમાં દર્દીનું નામ, વય, રોગનું નિદાન, ચેસ્ટ એક્સરે રિપોર્ટ, રેપિડ અને આરટીપીસીઆર ટેસ્ટ, એની તારીખ સહિતની વિગતો હોય છે. ઉપરાંત દર્દીને કયાં ઇન્જેક્શન, દવા અપાયાં એ સિવાયની બાયોકેમિકલ અને ઇન્ફલેમેટરી પ્રોફાઈલ પણ હોય છે. સયાજી હોસ્પિટલના આરએમઓ ડો. આર. બી. શાહે જણાવ્યું હતું કે સરકારના નિયમ મુજબ કોરોના સહિતના તમામ રોગોના કેસપેપરની ફાઈલ હોસ્પિટલમાં જ રખાય છે. જો કોઈ દર્દી કે પરિવારજનોને તેની ફોટોકોપી કઢાવવી હોય તો એની છૂટ આપીએ છીએ. આ ફાઈલ 10 વર્ષ સુધી હોસ્પિટલમાં રખાય છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડન્ટ ડો. આર. એસ. ત્રિવેદીએ જણાવ્યું હતું કે કોવિડ વોર્ડના જે કોઈના પણ સ્વજનનું મૃત્યુ થયું હોય તે પરિવારે તબીબી અધીક્ષકને સાદા કાગળમાં અરજી કરવાની રહે છે. અરજી મળ્યાના એક સપ્તાહમાં ફાઇલની ફોટોકોપી આપવામાં આવે છે. દર્દીના તમામ રેકોર્ડ સાચવવા તેમ જ કોવિડ વોર્ડમાં વપરાયેલી ફાઈલ બહાર ન કાઢી શકાય એ માટે આ નિર્ણય શરૂઆતથી જ અમલી છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલનાં સુપરિન્ટેન્ડન્ટ ડો. રાગિણી વર્માએ કહ્યું હતું કે સરકારની પોલિસી પ્રમાણે દર્દીની સારવારનો રેકોર્ડ ગવર્નમેન્ટ હોસ્પિટલની રેકોર્ડ ઓફિસમાં રાખીએ છીએ. જો કોઈ દર્દીને કોઈ કારણથી જરૂર હોય તો એપ્લિકેશન લઈ કોપી કરીએ છીએ, પણ કાયદાકીય રીતે એ હોસ્પિટલનો રેકોર્ડ કહેવાય. જો કોઈ દર્દી સારવાર દરમિયાન અન્ય હોસ્પિટલમાં જાય ત્યારે ગાયનેક જેવા કેસમાં ઇન્વેસ્ટિગેશનના ડોક્યુમેન્ટ્સ આપી જ દઈએ છીએ.
રાજકોટની સિવિલ હોસ્પિટલમાં વિષ્ણુસ્વામી જશુબેન દાખલ થયાં હતાં. તેમને સમરસમાં શિફ્ટ કરાયા હતા, જ્યાં તેમનું મૃત્યુ થયું હતું. જશુબેન હેલ્થવર્કર હતાં. તેમના દીકરાએ સહાય મેળવવા ડોક્યુમેન્ટ માટે સિવિલ હોસ્પિટલમાં અરજી કરી હતી, પરંતુ તેમને ડોક્યુમેન્ટ ન મળ્યા.
પીયૂષભાઈએ જણાવ્યું હતું કે તેમને એપ્લિકેશન કર્યાના 10 દિવસમાં તો ડોક્યુમેન્ટ ન મળ્યા, પરંતુ સિવિલમાંથી ફોન આવ્યો કે ફરી વખત તમારે અરજી કરવી હોય તો કરો. જો હું બીજી વખત ડોક્યુમેન્ટ મેળવવા અરજી કરું તો જે સહાય મેળવવા માટે અરજી છે એનો સમય ચાલ્યો જાય.
હોસ્પિટલમાં સારવાર લેતા દર્દી માટે સૌથી મોટો પુરાવો એના કેસપેપર જ હોય છે. દર્દી હોસ્પિટલમાં દાખલ થાય ત્યારે તેનો ઇન્ડોર કેસ નીકળે, ત્યાર બાદ દર્દી જ્યાં સુધી દાખલ રહે ત્યાં સુધી સારવારની વિગત, ડોક્ટરોના ઓબ્ઝર્વેશન એમાં નોંધાતાં હોય છે. દર્દી ડિસ્ચાર્જ થાય ત્યારે રેફરન્સ માટે રિપોર્ટ સહિતના કેસ પેપર અચૂક સુપરત કરાય છે.
જાણકારોનો તર્ક છે કે, ફ્રન્ટલાઇન અને હેલ્થકેરવર્કર્સ માટે સરકારે વળતરની જાહેરાત કરી છે ત્યારે આવા સંજોગોમાં દરેક મૃતકના કેસપેપર કે ડેથ સ્લિપમાં મોતનું કારણ કોરોના બતાવાય તો વળતર આપવાનો પણ મોટો પ્રશ્ર્ન ઊભો થઈ શકે છે. આ હિસાબે કોરોનાના મૃતકોની સંખ્યા પણ વધે નહીં એ માટે અંદરખાને પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાનું ધ્યાને આવે છે.
દરેક કેસમાં એક બાબત કોમન હતી. દરેકના ફોર્મ પર દર્દીના સગાની ગેરહાજરીની નોંધ હતી. મૃત્યુ પહેલાં અનેક દર્દીએ પરિવાર સમક્ષ હોસ્પિટલ-તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી હતી.
કેસ -1: મહિનો ધક્કા ખાધા, કેસ ફાઈલની અરજી લેવાતી નથી
(21/00139804), નામ: રાજેશ ભાવસાર, દાખલ – 16.4.2021, મૃત્યુ – 22.4.2021
રાજેશને 16 એપ્રિલે સિવિલમાં દાખલ કરાયા હતા. 21 એપ્રિલે તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. અંતિમ રેકોર્ડ અનુસાર તેમનું સાંજે 5.34 વાગ્યે રૂટિન ચેકઅપ કરાયું હતું. એ જ રાતે 1 વાગ્યે તેમનું નિધન થયું હતું. તેમના પુત્ર ગોવિંદે કહ્યું હતું કે તે મહિનાથી ફાઈલ માટે ધક્કા ખાય છે. ક્યારેક સુપરિ.ની ઑફિસ તો ક્યારેક રેકોર્ડ રૂમમાં મોકલાય છે. કોઈ અરજી લેવા તૈયાર નથી.
કેસ -2: કાર્ડમાં લખી દેવાયું કે મૃત્યુ વખતે સગાં હાજર ન હતાં
21/00133303), નામ: નરેશ આચાર્ય, દાખલ- 11.4.2021,મૃત્યુ – 23 .4.2021
નરેશને 11 એપ્રિલે સિવિલમાં દાખલ કરાયા હતા. તેમણે યોગ્ય સારવાર અપાતી ન હોવાનું મેસેજ કરીને ઘરે જણાવ્યું હતું. તેમના પરિવારમાંથી નિશા વૈદ્યે કહ્યું હતું કે 23 એપ્રિલે બપોરે 3 વાગ્યે તેમની સાથે વાત થઈ એ પછી રાત્રે 8 વાગ્યે તેઓ મૃત જાહેર કરાયા.
ડોક્ટરે કાર્ડમાં લખ્યું હતું કે મૃત્યુ વખતે સગાં હાજર ન હતાં, જ્યારે પરિવારનું કહેવું છે કે તેઓ એ સમયે હોસ્પિટલમાં જ હતાં.
કેસ-3: માતાના મૃત્યુ બાદ ફાઈલ લેવા ગયા તો ના પાડી દીધી
(21/00150061), નામ: સુધાબેન પટેલ, દાખલ- 26.4.2021, મૃત્યુ – 28.4.2021
સુધાબેન પટેલને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયાં પછી સિવિલમાં લઈ જવાયાં હતાં. 28 એપ્રિલે તેમને મૃત જાહેર કરાયાં હતાં. તેમના પુત્ર ગોપાલે જણાવ્યું હતું કે માતાના મૃત્યુ બાદ જ્યારે ફાઈલ લેવા માટે હોસ્પિટલ ગયા તો અમને આપવાની ના પાડી હતી. ઇન્શ્યોરન્સ માટે અમને ફાઇલની જરૂર હતી. એ વિશે હોસ્પિટલને જણાવ્યું છતાં હજુ સુધી કોઈ જવાબ નથી.
બંધારણ શું કહે છે?: હાઈકોર્ટના વકીલ ઓમ કોટવાલે જણાવ્યું હતું કે બંધારણે દરેક વ્યક્તિને આ બાબત જાણવાનો અધિકાર આપ્યો છે. એનો ઉલ્લેખ ઘણી જગ્યાએ છે. બંધારણની કલમ 21 તથા 19માં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ સાથે જ રાઇટ ટુ ઇન્ફર્મેશન, ક્ધઝ્યુમર રાઇટ તથા મેડિકલ કાઉન્સિલ એક્ટ 1956માં તેની જાણકારી અપાયેલી છે. દરેક વ્યક્તિને એ જાણવાનો અધિકાર છે કે તેમના સ્વજનની સારવાર કેવી રીતે થઈ હતી?
અને મેડિકલ કાઉન્સિલ શું કહે છે?: મેડિકલ કાઉન્સિલના પ્રોફેશનલ ક્ધડક્ટ, એટિકેટ એન્ડ એથિક્સ રેગ્યુલેશન્સ 2002ના 1.3.1થી લઈને 1.3.3માં સ્પષ્ટ જણાવાયું છે કે કોઈપણ દર્દીનો મેડિકલ રેકોર્ડ ત્રણ વર્ષ સુધી સુરક્ષિત રાખવો જોઈએ, સાથે જ જો દર્દીનાં સગાં કે દર્દી દ્વારા અધિકૃત વ્યક્તિ તથા કોઈપણ સરકારી સંસ્થા જાણકારી માગે તો હોસ્પિટલે 72 કલાકની અંદર જાણકારી આપી દેવી જોઈએ. દરેક મેડિકલ રેકોર્ડની સાથે દર્દીના અંગૂઠાનું નિશાન તથા એક ઓળખ ચિહ્નનો ફાઇલમાં ઉલ્લેખ કરવો જરૂરી છે.
કોરોનાના મૃતકોના પરિવારજનોને કેસ ફાઇલ આપવાનો મુદો અંતે ચર્ચામાં
મોર્બિડ અને કો-મોર્બિડ દર્દીઓનો આખો ખેલ હવે કેવી રીતે આગળ વધશે?