કોરોના રસીકરણ મામલે ભારતે નવો ઇતિહાસ રચ્યો છે. કોરોના સામેના યુદ્ધમાં રસીકરણના અભિયાનમાં મોટી સફળતા હાંસલ કરતા 100 કરોડ ડોઝનું લક્ષ્ય પૂર્ણ થયું છે. આ સિદ્ધિને લઈને ઉજવણી પણ શરૂ થઈ છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીની રામ મનોહર લોહિયા હોસ્પિટલ પહોંચ્યા છે. અહીં તે ફ્રન્ટ લાઇન વોરીયર્સને મળશે. પ્રધાનમંત્રી કોરોના રસીનો પ્રથમ ડોઝ લેનારા ડોકટરોને પણ મળશે. સાથે જ આ સિદ્ધિ પ્રાપ્ત કર્યા બાદ લાલ કિલ્લામાં સૌથી મોટો ખાદીનો તિરંગો ફરકાવવામાં આવશે. સુત્રોના જણાવ્યા મુજબ આ તિરંગાની લંબાઈ 225 ફૂટ અને પહોળાઈ 150 ફૂટ છે અને તેનું વજન આશરે 1,400 કિલો છે. 2 ઓક્ટોબરે ગાંધી જયંતી પર લેહમાં આ જ તિરંગો ફરકાવવામાં આવ્યો હતો.
આરોગ્યમંત્રી મનસુખ માંડવીયા આજે 100 કરોડ વેક્સિનના ડોઝ પૂર્ણ થવા પર એક ગીત અને ફિલ્મ પણ લોન્ચ કરવાના છે. બપોરે 12.30 લાલ કિલ્લા પર એક કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો છે. આરોગ્ય કર્મચારીઓનું સન્માન પણ થઇ શકે છે.
દેશમાં વેક્સિનેશન અભિયાન 16 જાન્યુઆરીથી શરૂ થયું હતું. પ્રારંભિક 20 કરોડ વેક્સિનના ડોઝ 131 દિવસમાં લગાવવામાં આવ્યા હતા. આગામી 20 કરોડ ડોઝ 52 દિવસમાં આપવામાં આવ્યા હતા. 40 થી 60 કરોડ ડોઝ આપવા માટે 39 દિવસ લાગ્યા હતા. 60 કરોડથી 80 કરોડ ડોઝ આપવામાં માત્ર 24 દિવસ લાગ્યા હતા. દેશમાં વેક્સિનના 100 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે પરંતુ દેશની માત્ર 20% વસ્તીને સંપૂર્ણ વેક્સિન આપવામાં આવી છે.