Thursday, March 28, 2024
Homeરાજ્યગુજરાતઅંતે અદાલતે કહ્યું: સરકાર વહેલી ન જાગી તેથી આ (કપરાં) દિવસો આવ્યા

અંતે અદાલતે કહ્યું: સરકાર વહેલી ન જાગી તેથી આ (કપરાં) દિવસો આવ્યા

હાઇકોર્ટમાં ફરી સુનાવણી, રૂપાણી સરકારની ફરી ઝાટકણી

- Advertisement -

ગુજરાતમાં કોરોનાનાં બેકાબૂ આક્રમણને ખાળવામાં મળેલી વિફળતાનું સંજ્ઞાન લઈને હાઇ કોર્ટ દ્વારા દાખલ કરવામાં આવેલી સુઓમોટો જનહિત અરજીની ગુરૂવારે થયેલી વધુ સુનાવણીમાં ફરી એકવાર ગુજરાત સરકારને અદાલતે આકરી ભાષામાં ઝાટકી હતી. અદાલતે વધુ આક્રમકતા દેખાડતા કહ્યું છે કે, જ્યારે રાજ્ય સરકાર પાસે સ્રોતો હતાં ત્યારે વેડફી નખાયા. જો સરકાર સમયસર જાગી હોત તો આજે આવી હાલત ન હોત. તમામ સુવિધાઓ વધારી જ દેવામાં આવી હોય તો કોઈ દર્દીને રઝળપાટ કરવાનો વારો કેવી રીતે આવે છે ? કેમ રેમડેસિવિરની અછત અને કાળાબજાર થાય છે ? આગળ કોર્ટે સૂચવ્યું હતું કે, પ્રત્યેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ માટે લેબોરેટરી હોવી જોઈએ અને ગ્રામીણ વિસ્તારોમાં પણ ટેસ્ટિંગ અને સારવારની વ્યવસ્થા થવી જોઈએ.

- Advertisement -

હાઇકોર્ટે ત્રણ દિવસ પહેલા કરેલી સુનાવણીમાં આપેલા નિર્દેશોની નોંધ લેતા જણાવ્યું હતું કે, રાજ્યમાં એપ્રિલમાં તો રીતસરની સુનામી આવી ગઈ છે. રાજ્ય સરકાર પણ આ પરિસ્થિતિનો અંદાજો લગાવી શકી નહીં અને હાઇ કોર્ટે સુઓમોટો લીધી તે પછી જ યુદ્ધનાં ધોરણે પગલાં લીધાં હતાં.
હાઇ કોર્ટે પોતાનાં અવલોકનમાં નોંધ્યું હતું કે, દરેક જિલ્લામાં આરટીપીસીઆર ટેસ્ટ લેબ હોવી જોઈએ તેમજ દરેક મ્યુનિસિપાલિટીમાં પણ ટેસ્ટિંગ ફેસિલિટી હોવી જોઈએ. આદિવાસી વિસ્તારો જિલ્લામાં આરટીપીસીઆરની ભારે સમસ્યા છે, બેડ પણ મળતાં નથી, સાથે જ ગ્રામીણ વિસ્તારોમાં ટેસ્ટિંગ અને ટ્રીટમેન્ટની સુવિધા ઊભી કરવી જોઈએ, ગામડાંમાં ડોક્ટરોની કમી છે, જેના પર ધ્યાન આપવું જોઈએ. પહેલેથી આયોજન કર્યું હોત તો આજે આ દિવસો જોવા ન પડત નહીં. લોકોને કોર્ટ પાસે ભારે આશા છે.’

ચીફ જસ્ટિસ વિક્રમનાથ અને જસ્ટિસ ભાર્ગવ ડી કારિયાની બેન્ચે ગુજરાતમાં કોરોના અંધાધૂંધી અંગે સરકારની કામગીરી અંગે વેધક પ્રશ્ર્નો કર્યા હતા. સરકાર કહે છે લોકો આડેધડ રેમડેસિવિર ખરીદે છે એટલે અછત થઈ પણ સરકારે ક્યાં ચોખવટ કરી છે કે રેમડેસિવિર ક્યારે લેવું ? હાઇકોર્ટે સરકાર તરફથી રજૂઆત કરતા કમલ ત્રિવેદીને ટકોર કરતા જણાવ્યું હતું કે, અમે આખાં રાજ્યની વાત કરીએ છે, ફક્ત અમદાવાદની વાતો ન કર્યા કરો. તમે બેડ ખાલી હોવાનું કહો તો દર્દીઓ કેમ રઝળી રહ્યા છે, લાઇનો કેમ લાગે છે ? વધુમાં જણાવ્યું હતું કે દરેક ન્યૂઝ પેપરમાં બેડ, ઓક્સિજન મળતાં નથી એનો ઉલ્લેખ છે. 15થી 16 માર્ચ પછી કેસો વધવાના શરૂ થયા, ત્યાર બાદ કોઈ ઘટાડો જોવાયો નથી. તમે જે રેમડેસિવિરની દલીલ કરી રહ્યા છો એ એફિડેવિટમાં નથી. વિશ્વ આરોગ્ય સંસ્થા (ડબ્લ્યુએચઓ) કંઈ કહે છે અને આઇસીએમઆરનો અહેવાલ બીજી કોઈ બાબત દર્શાવે છે અને ગુજરાતમાં નાગરિકો રેમડેસિવિર લેવા ફરે છે, આ શું છે ? ગુજરાતમાં રેમડેસિવિર અને ઓક્સિજનની કાળાબજારી બંધ કરો.’

- Advertisement -

કોરોના મુદ્દે ગુજરાત સરકારનો ઉધડો લેતા કહ્યું કે અગાઉના સમયમાં સરકાર પાસે સ્રોતો હતા ત્યારે બરબાદ કરી દેવાયા છે. ગુજરાત સરકારે રેમડેસિવિર ઇન્જેક્શન મુદ્દે સાર્વજનિક પત્ર જાહેર કરવો જોઇએ. ગુજરાતમાં માત્ર 97 લેબમાં જ કોરોના ટેસ્ટિંગ થઈ રહ્યા છે. આરટીપીસીઆર બધા જિલ્લામાં થાય છે કે નહીં તેની ચકાસણી કરી ડાંગમાં ટેસ્ટિંગને લઇને કોઇ જ વ્યવસ્થા નથી. સિટી-સ્કેન સુવિધા અત્યારે ખૂબ જરૂરી છે, લોકોની લાઇનો ખૂબ લાંબી જોવા મળે છે, એના માટે સરકારે ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ.

સરકાર તરફથી રજૂઆત કરતા એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ જણાવ્યું હતુ કે કોવિડ 19 માટે રાજ્ય સરકારની તમામ યંત્રણા નખશીખ કોરોના નિયંત્રણ માટે લાગેલી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular