Saturday, October 12, 2024
Homeરાજ્યજામનગરહાશ... જામનગર પરથી ‘તાઉતે’ની આફત ટળી

હાશ… જામનગર પરથી ‘તાઉતે’ની આફત ટળી

બે દિવસથી રાહત અને બચાવ માટેની તૈયારીઓ કરી રહેલાં તંત્રોએ લીધો રાહતનો દમ : હળવા પવન અને સામાન્ય નુકસાન સાથે વાવાઝોડું જામનગરને બાયપાસ કરી ગયું

- Advertisement -

સામાન્ય વરસાદ અને હળવા પવન અને સામાન્ય નુકસાની સાથે તાઉતે વાવાઝોડું જામનગર શહેર જિલ્લાને બાયપાસ કરી જતાં જામનગર જિલ્લા પરથી મોટી ઘાત ટળી છે. છેલ્લા બે દિવસથી બચાવ અને રાહતની તૈયારીઓમાં લાગેલા જિલ્લાના વહિવટીતંત્રએ રાહતનો દમ લીધો છે. વાવાઝોડું હાલ અમદાવાદ તરફ ફંટાઇ ગયું હોય આગામી કેટલાક કલાકોમાં જામનગર શહેર અને જિલ્લામાં હળવા પવન સાથે વરસાદી ઝાપટાં વરસી શકે છે. કોઇ મોટા નુકસાનની આશંકા સમાપ્ત થઇ છે.

વિનાશક તાઉતે વાવાઝોડાએ જામનગરને મોટી રાહત આપી છે. વાવાઝોડું રાત્રે જામનગરની બાજુમાંથી પસાર થઇ જતાં જામનગર શહેર અને જિલ્લા પરથી આફત ટળી ગઇ છે. વાવાઝોડાના સામના માટે છેલ્લા બે દિવસથી જુદા-જુદા તંત્રો યુધ્ધના ધોરણે કામે લાગ્યા હતા. સેંકડો લોકોનું સ્થળાંતર તેમજ અન્ય જરૂરી વ્યવસ્થાઓ પણ કરી લેવામાં આવી હતી. પરંતુ વાવાઝોડું સામાન્ય જલક દેખાડીને આગળ વધી જતાં તંત્રોએ રાહતનો દમ લીધો હતો.

ગઇરાત્રે શહેરના મેયર બિનાબેન કોઠારી, મંત્રી આર.સી. ફળદુ, સાંસદ પૂનમબેન માડમ સહિતના આગેવાનો અને અધિકારીઓ વાવાઝોડા પર સતત નજર રાખી રહયા હતા. આજે સવારે આ વાવાઝોડું જામનગરથી દૂર ચાલ્યું જતાં તમામના ચહેરા ઉપર રાહતની લાગણીઓ જોવા મળી હતી. જો કે, જામનગર શહેરમાં રાત્રે 1 વાગ્યા બાદ પ0 થી 60 કિલોમીટરની ઝડપે પવનન સૂસવાટા ચાલુ થયા હતા. જે કયારેક વધીને 80 કિલોમીટર સુધી પણ પહોંચી ગયા હતા પરિણામે તંત્ર અને લોકોના જીવ અધ્ધર થઇ ગયા હતા. કેટલીક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા હતા. તેમજ મીગ કોલોની પાસે આવેલા મંદિર પાસે એક વીજપોલ બેવડો વળી ગયો હતો. સામાન્ય નુકસાની સિવાય શહેર અને જિલ્લામાં કોઇ મોટા નુકસાનના અહેવાલ નથી. આગલે દિવસે સામાન્ય વરસાદમાં વીજ પુરવઠો ખોરવાઇ જતાં ખૂબ વગોવાયેલા જામનગરના વીજતંત્રએ ગઇકાલે થોડો રંગ રાખ્યો હતો. આટલા દિવસની સરખામણીએ લોકોને ઓછી મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. ભારે પવન છતાં શહેરના લગભગ તમામ વિસ્તારોમાં વીજ પુરવઠો જળવાઇ રહ્યો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular