જામનગર શહેરમાં ન્યુ ઈન્દીરા કોલોનીમાં રહેતાં પ્રૌઢ ખંભાળિયા બાયપાસ ધોરીમાર્ગ પરથી બાઈકમાં જતાં હતાં તે દરમિયાન પૂરઝડપે આવી રહેલી બસે સાઈડ માંગ્યા વગર ચલાવતા બાઈકસવારે બે્રક મારતા પાછળથી આવી રહેલા ટ્રક સાથે અથડાતા અકસ્માતમાં મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં ન્યુ ઈન્દીરા કોલોનીમાં એરફોર્સ રોડ શેરી નં.10 માં પંચમુખ હનુમાનજીની બાજુમાં રહેતાં દિનેશભાઈ જશાભાઈ મકવાણા (ઉ.વ.56) નામના પ્રૌઢ ગત તા.5 ના રોજ બપોરના 12:30 વાગ્યાના અરસામાં તેના બાઇક પર ખંભાળિયા બાયપાસ રોડ પર કેશવારાસ હોટલની સામેથી પસાર થતા હતાં ત્યારે પૂરઝડતે આવતી જીજે-10-ટીએકસ-5910 નંબરની બસના ચાલકે સાઈડ માંગ્યા વગર ફુલસ્પિડે ચલાવતા બાઈકસવાર પ્રૌઢે એકાએક બે્રક મારતા પાછળથી આવી રહેલો ટ્રક અથડાતા પ્રૌઢને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું શુક્રવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર રાજેશભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી બસ ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.