સમગ્ર રાજ્ય સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ હાલ શિયાળાનો ઠંડીભર્યો માહોલ પ્રવર્તી રહ્યો છે. જેમાં ઠંડીની અસર ખાસ કરીને બાળકો તેમજ બુઝુર્ગોમાં વધુ જોવા મળે છે. ત્યારે શાળાએ જતા બાળકોને શાળા સંચાલકો ચોક્કસ પ્રકારના જ સ્વેટર પહેરવાનો આગ્રહ ન કરી શકે તે અંગેની જાણ કરતો પત્ર તમામ શાળાઓને શિક્ષણાધિકારી કચેરી દ્વારા પાઠવવામાં આવ્યો છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં હાલ શિત ઋતુના કારણે ઠંડા પવન ફૂંકાઈ રહ્યા છે. આવા સંજોગોમાં શાળાએ આવતા વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી કોઈ પણ પ્રકારના ગરમ કપડાં પહેરીને આવે તે માન્ય રાખવા તેમજ કોઈપણ વિદ્યાર્થીને ચોક્કસ પ્રકારના ગરમ કપડાં પહેરવાની ફરજ પાડી શકાશે નહીં, તે અંગેનો એક લેખિત પત્ર અહીંની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા જિલ્લાની તમામ પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના આચાર્યોને પાઠવવામાં આવ્યો છે.
જિલ્લા શિક્ષણ અધિકારી એસ.જે. ડુમરાણીયાએ જણાવ્યું હતું કે બાળકોની સુરક્ષા સલામતીને પ્રાધાન્ય આપી, બાળકોની સંવેદના મુજબ તેઓને અનુકૂળ લાગે તેવા ગરમ વસ્ત્રો તેમજ કાનની ટોપી પહેરીને માટે કોઈપણ પ્રકારના દબાણ વગર છૂટ આપવા શાળા સંચાલકોને જણાવ્યું છે. જો કોઈપણ શાળા સંચાલકો દ્વારા નિયત પ્રકારના સ્વેટર, ગરમ વસ્ત્ર માટે દબાણ કરવામાં આવતું હોય તો જિલ્લા શિક્ષણ અધિકારીનો સંપર્ક સાધવા પણ તેમણે વધુમાં જણાવ્યું હતું.