જામનગર શહેરમાં રેલવે સ્ટેશનના ગેઈટ નજીક શનિવારની રાત્રિના સમયે પત્ની સામે જોતો હોવાની શંકા રાખી પતિએ યુવક સાથે ગાળાગાળી કરી છરીના આડેધડ ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં મોબાઇલ ફોનમાં વાતચીત કરતા શખ્સને સમજાવવા જતાં ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનને છરીનો ઘા ઝીંકી મારી નાખવાની ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરનાં પુનિતનગર વિસ્તારમાં રહેતો મયુરસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.23) નામનો યુવક મયુરસિંહ સજુભા જાડેજા નામના યુવાનની પત્ની સામે જોતો હોવાની શંકાના કારણે મયુરસિંહ જાડેજાએ યુવકને ‘મારી પત્ની સામે કેમ જોવે છે ?’ તેમ કહી બોલાચાલી કરી ગાળાગાળી કરી હતી અને છરીના આડેધડ ઘા ઝીંકી ફેફસામાં તથા પગમાં ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. ગંભીર રીતે ઘવાયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે ઘવાયેલા યુવકના પિતા દ્વારા જાણ કરાતા પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે મયુરસિંહ સજુભા જાડેજા વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં ગાંધીનગર વિસ્તારમાં આવેલા દ્વારકાના પરેશ દિનેશભાઈ શુકલ નામનો યુવક તેના કાકાના ઘરે આવ્યો હતો અને પરેશની બહેન સાથે મનિષ દિનેશ શેખા નામનો શખ્સ મોબાઇલમાં વાતચીત કરતો હોય. જેથી પરેશ સમજાવવા જતા મનિષ દિનેશ શેખા, દિનેશ શેખા, ટપુ શેખા અને ચિરાગ શેખા નામના ચાર શખ્સોએ એકસંપ કરી પરેશ ઉપર છરી વડે હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઈ ઝેડ એમ મલેક તથા સ્ટાફે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.