Friday, August 28, 2026
Homeરાજ્યજામનગરકમિશનર અને નાયબ કમિશનર દ્વારા વોર્ડ નંબર 14માં સરપ્રાઇઝ ચેકિંગ

કમિશનર અને નાયબ કમિશનર દ્વારા વોર્ડ નંબર 14માં સરપ્રાઇઝ ચેકિંગ

નાગરિકો પાસેથી સ્વચ્છતા અંગે ફિડબેક મેળવ્યા : રસ્તા પરના દબાણો હટાવવા સહિતના મુદ્ે અધિકારીઓને સૂચના અપાઇ : કાનાનગરમાં જર્જરિત મકાન સામે કાર્યવાહી કરવા આદેશ

જામનગર મહાનગરપાલિકાના કમિશનર અને નાયબ કમિશનર દ્વારા વોર્ડ નંબર 14ના વિવિધ વિસ્તારોમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં સફાઇ, ડ્રેનેજ સહિતના મુદ્ાઓની તપાસ કરી નાગરિકો પાસેથી સ્વચ્છતા અંગે ફિડબેક પણ મેળવ્યા હતા તથા કાનાનગરમાં જર્જરિત મકાન અંગે કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતાં.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ સત્વરે મળી રહે અને સ્વચ્છતા જળવાઈ રહે તે હેતુથી સઘન કામગીરી કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે, જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિઆ, નાયબ કમિશનર ડી. એ. ઝાલા, અધિકારીઓ અને તેમની ટીમ દ્વારા વોર્ડ નં. 14 ના વિવિધ વિસ્તારોની રૂબરૂ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સ્થાનિક પ્રશ્ર્નોનું નિરીક્ષણ કરી સફાઈ, ડ્રેનેજ અને જનસુખાકારીના કામોને વધુ વેગવંતા બનાવવાનો હતો.

આ રાઉન્ડ દરમિયાન અધિકારીઓએ ક્રિષ્ના કોલોની શેરી નં. 5, 58 દિગ્વિજય પ્લોટમાં પાણીની લીકેજની સમસ્યા હલ કરવા અને સઘન સફાઈ કરવા ટીમને તાકીદ કરી હતી. સાથે જ ભાનુપરા 1 વિસ્તારમાં અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ ઓવરફ્લોનો પ્રશ્ર્ન અને કાનાનગરમાં ચાલતી જેટિંગ મશીનની કામગીરીનું નિરીક્ષણ કરી જરૂરી આદેશો આપ્યા હતા. રસ્તા પરના દબાણો હટાવવા સેનિટરી ઇન્સ્પેક્ટરને સતત ફોલોઅપ લેવા અને ક્રિષ્ના કોલોનીમાં કચરાના પોઈન્ટ દૂર કરવા તેમજ ફળ વિક્રેતાઓના વેચાણ વિસ્તારમાં હાઈજીન જાળવી રાખવા કડક સૂચના આપવામાં આવી હતી.

- Advertisement -

શહેરીજનો સાથે સીધો સંવાદ સાધતા ઉચ્ચ અધિકારીઓએ 58 દિગ્વિજય પ્લોટના કેળાં વખાર વિસ્તારમાં સિનિયર સિટીઝનો પાસેથી ડોર-ટુ-ડોર કચરા કલેક્શન વાહનના સમય અંગે ખરાઈ કરી હતી અને કાના નગરમાં નાગરિકો પાસેથી સ્વચ્છતા અંગે ફીડબેક મેળવ્યા હતા. ઉપરાંત, કાના નગર સ્થિત ‘નંદઘર’ ની રૂબરૂ મુલાકાત લઈ ત્યાંની ઓવરઓલ સુવિધાઓ ચકાસી હતી અને આંગણવાડી વર્કર તથા ફિમેલ હેલ્થ વર્કરને બાળકોના સ્વાસ્થ્ય અને નિયમિત હાજરી અંગે જરૂરી સૂચનાઓ આપી હતી.

આ મુલાકાત દરમિયાન નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને કાના નગરમાં ગોકુલ સીટ કવર સામે આવેલા એક જર્જરિત મકાન અંગે ટીપીઓ અને એસ્ટેટ શાખાને કાયદેસરની કાર્યવાહી કરવાના કડક આદેશો જારી કરવામાં આવ્યા હતા. અંતમાં, મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા તમામ નાગરિકોને પોતાના વિસ્તારને સ્વચ્છ રાખવામાં સહકાર આપવા અને મહાનગરપાલિકાની સફાઈ ઝુંબેશમાં સક્રિયપણે જોડાવવા અપીલ કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular