મોટી ખાવડીમાં ટ્રાન્સપોર્ટ ઓફિસના સુપરવાઈઝર દ્વારા ગાડીઓ ભાડે આપવાનો વહીવટ સંભાળતા હોય ગાડીઓના ભાડાની રૂા. 3,22,500ની રકમ ટ્રાન્સપોર્ટ પેઢીમાં આપવાના બદલે પોતાના અને તેના ભાઇના ખાતામાં નાખી છેતરપિંડી આચર્યાની પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની વિગત મુજબ જામનગરના જય દ્વારકાધીશ પાર્ક 1, ઢીચડામાં રહેતાં અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરતા આશિષભાઇ રામેશ્ર્વરલાલ અગ્રવાલ દ્વારા મેઘપર પડાણા પોલીસ સ્ટેશનમાં રાજસ્થાનના અજમેર જિલ્લાના સરવાડ તાલુકાના સિયાર ગામના કુલદીપસિંહ નંદસિંઘ કરણસોત વિરૂદ્ધ રૂપિયા 3,22,500ની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદીના જણાવ્યા અનુસાર ફરિયાદીના અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટમાં કુલદીપસિંઘ સુપરવાઈઝર તરીકે કામ કરતો હોય જેમાં અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટની ટેલર ગાડીઓ ભાડે આપવાનો તેમજ ભાડે લેવાનો તથા રૂપિયાનો તમામ વહીવટ આરોપી સંભાળતો હતો. જેથી આરોપીએ ટ્રાન્સપોર્ટ પેઢીના અલગ અલગ ટેલર ગાડીઓના ભાડાના કુલ રૂા. 3,22,500 અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટના એકાઉન્ટમાં નાખવાને બદલે પોતાના તથા પોતાના ભાઇના બેન્ક એકાઉન્ટમાં નખાવ્યા હતા.
આરોપીએ રૂપિયા 3,22,500ની રકમ પોતાના અંગત લાભ માટે ઉપયોગ કરી અગ્રવાલ મુવર્સ ટ્રાન્સપોર્ટને પરત ન આપતા છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાઇ હતી. આ અંગે મેઘપર પડાણાના એએસઆઇ જે. ડી. જાડેજા તથા સ્ટાફે વધુ તપાસ હાથ ધરી હતી.


