જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટીના રહેણાંક મકાનમાં થયેલી ઘરફોડ ચોરીના બનાવમાં સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે ગણતરીના કલાકોમાં જ ચોરાઉ મુદ્ામાલ સાથે તસ્કરને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલી સનમ સોસાયટી વિસ્તારના ખફી હોલ પાસે વસવાટ કરતાં અલ્તાફભાઇ ગનીભાઇ સમા (ઉ.વ.52) નામના પ્રૌઢ વેપારીના બંધ મકાનમાં ગુરૂવારે મધ્યરાત્રિના સમયે અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને દરવાજાના તાળા તોડી મકાનમાં પ્રવેશ કર્યો હતો. તસ્કરોએ લાકડાંના કબાટમાં રાખેલા બે નંગ સોનાના ચેઇન પેન્ડલ સાથે તથા એક જોડી સોનાની કાનની બુટી અને એક સોનાની લેડીઝ વિંટી, મોટા ચાંદીના સાંકળા એક જોડી, ચાંદીની હાથમાં પહેરવાની પોંચી એક જોડી, ચાંદીની નાની ઝાંઝરી એક જોડી, ચાંદીની લક્કી એક જોડી મળી કુલ રૂા. 3,56,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રોકડ રૂા. 43,100ની રોકડ રકમ મળી કુલ રૂા. 3,99,100નો મુદામાલ ચોરી કરી લઇ ગયા હતા.
ચોરીના બનાવમાં સંડોવાયેલા તસ્કર અંગે હે.કો. વિપુલભાઇ સોનગરા, હરપાલસિંહ પરમાર, વિજયભાઇ કાનાણીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી, ડીવાયએસપી જયવીરસિંહ ઝાલાના માર્ગદર્શન હેઠળ પીઆઇ વી. એમ. ડોડિયા, એએસઆઇ મહિપાલસિંહ જાડેજા, હે.કો. વિપુલભાઇ સોનગરા, હરપાલસિંહ પરમાર, વિજયભાઇ કાનાણી, મહેન્દ્રસિંહ ચુડાસમા સહિતના સ્ટાફએ બાતમીના આધારે સમીર ઉર્ફે બાપુડી ઓસમાણ શેખ (ઉ.વ.25, રહે. મોરકંડા, રાજ સોસાયટી શેરી નંબર 3, જામનગર) નામના તસ્કરને દબોચી લઇ તેની પાસેથી રૂા. 3,63,000ની કિંમતના સોના-ચાંદીના દાગીના અને રૂા. 43,100ની રોકડ મળી કુલ રૂા. 4,06,100નો મુદામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરી હતી.


