અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજાએ પોતાનું વરદાન વરસાવતા જામનગર જિલ્લામાં કૃષિ ચિત્ર જળવાઈ ગયું છે. તહેવારના દિવસે વરસાદ પડતાં ખેતીવાડી માટે અનુકૂળ વાતાવરણ સર્જાયું છે અને ખેડૂતોમાં ઉમંગભેર વાવણીનો આરંભ થયો છે.
જામનગર જિલ્લામાં સિંચાઇની સારી સુવિધાઓ ધરાવતા તથા પીયત ધરાવતા ખેડૂતોએ પહેલેથી જ વાવણી શરૂ કરી દીધી હતી. ખાસ કરીને મગફળી અને કપાસ જેવા મુખ્ય ખરીફ પાકોમાં વાવેતર નોંધપાત્ર રહ્યું છે. અત્યાર સુધીના આંકડા પ્રમાણે 1,96,083 હેક્ટર જમીનમાં મગફળીનું અને 70,534 હેક્ટરમાં કપાસનું વાવેતર થઈ ચૂક્યું છે.
જિલ્લા કૃષિ અધિકારી રીતેશ ગોહેલ જણાવે છે કે, “મેઘરાજાની પ્રસન્નતાથી ખેડૂતોમાં ઉત્સાહ છવાયો છે. મગફળીનો પાક ટૂંકા ગાળાનો અને બજારમાં સારો ભાવ આપતો હોવાથી, ખેડૂતોએ મગફળીના વાવેતરનું પેટર્ન બદલી વધુ વિસ્તારમાં તેને વાવવાનો નક્કી કર્યો છે.”
ગત વર્ષની સરખામણીએ પણ આ વર્ષે મગફળીના વાવેતરમાં નોંધપાત્ર વધારો થયો છે. સમગ્ર જિલ્લાની વાત કરીએ તો કુલ 3,46,790 હેક્ટરમાં ખરીફ વાવેતર થવાનું છે, જેમાંથી આજની તારીખે 2,77,483 હેક્ટર વિસ્તારમાં વાવેતર પૂર્ણ થઈ ચૂક્યું છે. વાવણીનો સીઝન હજુ ચાલુ હોય જેથી બાકીનો વિસ્તાર પણ ટૂંક સમયમાં પૂર્ણ થવાની શક્યતા છે.
મગફળી અને કપાસ સિવાય પણ ખેડૂતો તુવેર, અડદ, બાજરી, સોયાબીન, શાકભાજી અને ઘાસચારાના પાકોનું પણ વિસ્તૃત પ્રમાણમાં વાવેતર કરી રહ્યા છે. ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને માર્ગદર્શન અને સહાયરૂપ માહિતી આપવામાં આવી રહી છે.