જામનગર તાલુકાના દડિયા ગામમાં સરપંચ દ્વારા કાયદાકીય નોટીસ ફટકાર્યાનો ખાર રાખી દંપતિએ સરપંચને ધમકી આપી તેના વિરૂદ્ધ ખોટી એટ્રોસિટીની ફરિયાદ નોંધાવવા તથા ઝેરી દવા પી સરપંચનું નામ લખી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આદરી હતી.
આ બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના દડિયા ગામના સરપંચ રાજેશભાઇ વલ્લભભાઇ લખિયાર (ઉ.વ.48) દ્વારા ભરત ખેતા ડનેચા વિરૂદ્ધ કાયદાકીય તજવીજ માટે નોટીસ કાઢી હતી. આ નોટીસનો ખાર રાખી 15 દિવસના સમય દરમ્યાન ભરત ડનેચાએ સરપંચને જાહેરમાં ગાળો કાઢી હતી અને તેની પત્ની મંજુબેન ડનેચા સાથે સરપંચને કાયદાકીય તજવીજ બંધ કરી દેવા ધમકી આપી હતી અને જો આમ નહીં કરે તો તેના વિરૂદ્ધ ખોટી એટ્રોસિટીની ફરિયાદ કરવાની તથા ઝેરી દવા પી સરપંચનું નામ લખી હેરાન પરેશાન કરવાની ધમકી આપી હતી. ઉપરાંત મંજુબેન ડનેચાએ સરપંચના ઘરે જઇ સરપંચની પત્નીની હાજરીમાં સરપંચને જાહેરમાં ગાળો કાઢી હતી.
આ બનાવ અંગેની પોલીસમાં જાણ કરાતા પીએસઆઇ એચ. વી. રોયલા તથા સ્ટાફએ સરપંચના નિવેદનના આધારે દંપતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.


