જામનગર શહેર અને જિલ્લામાં બે દિવસથી સર્જાયેલા મેઘાવી માહોલમાં છેલ્લા 24ક લાક દરમ્યાન લાલપુરમાં 3 ઇંચ અને જામનગર શહેરમાં પોણા બે તથા જામજોધપુર અને કાલાવડમાં સવા-સવા ઇંચ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી પાંચ દિવસ સુધી જાનગર સહિત સમગ્ર રાજયમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે અને અમુક સ્થળોએ ભારે વરસાદ પડવાની શકયતાઓ રહેલી છે. દરમ્યાન આજે સવારે 6 વાગ્યે પુરા થતાં 24 કલાક દરમ્યાન જામનગર જિલ્લામાં સામાન્ય ઝાપટાથી 3 ઇંચ જેટલુ પાણી આકાશમાંથી વરસી ગયું છે. જેમાં સૌથી વધુ લાલપુરમાં રાત્રિના 12 વાગ્યયાથી બે વાગ્યા સુધીમાં ધોધમાર 3 ઇેંચ પાણી વરસી જતાં ગામમાં પાણી-પાણી થઇ ગયુ હતું. લાલપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં હરિપર અને ભણગોરમાં દોઢ-દોઢ ઇંચ તથા મોટા ખડબામાં સવા ઇંચ અને મોડપર તથા પડાણામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો હતો. અને પીપરટોડામાં ઝાપટા રૂપે અડધો ઇંચ પાણી પડયું હતું.
જામનગર શહેરમાં ગુરૂવારની રાત્રિની જેમ જ શુક્રવારે રાત્રિના પણ તેજ પવન અને વિજળીના ચમકારા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો અને રાત્રિના 10 વાગ્યાથી બે વાગ્યા સુધીમાં ચાર કલાકમાં પોણા બે ઇંચ પાણી વરસાવી દીધું હતું. જો કે શહેરમાં માત્ર પોણા બે ઇંચ વરસાદ વરસતાં રાબેતા મુજબ માર્ગો પર પાણી ભરાઇ ગયા હતા. અને જામનગર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં લાખાબાવળ, દરેડ, મોટીભલસાણ, વસઇમાં 1-1 ઇંચ પાણી પડયું હતું. જયારે જામવથલીમાં પોણો ઇંચ અને મોટીબાણુંગાર તથા ફલ્લામાં અડધો-અડધો ઇંચ તથા અલિયાબાડામાં જોરદાર ઝાપટું પડયું હતું.
કાલાવડ અને જામજોધપુરમાં પણ રાત્રિના સમયે ધીમી ધારે મેઘરાજાએ વધુ સવા-સવા ઇંચ પાણી વરસાવ્યું હતું. તથા કાલાવડ તાલુકાના નવાગામમાં સવા ઇંચ અને ભલસાણ બેરાજા મોટા પાંચ દેવડા, મોટા વડાળામાં 1-1 ઇંચ વરસાદ પડયો હતો. અને ખરેડીમાં પોણો ઇંચ તથા નિકાવામાં અડધો ઇંચ પાણી વરસ્યું હતું. જામજોધપુર તાલુકાના જામવાડી અને સમાણા ગામમાં વધુ બે ઇંચ વરસાદ પડયો હતો. અને ધુનડા, શેઠવડાળા, પરડવા, ધ્રાફા અને વાસજાળિયામાં વધુ સવા-સવા ઇંચ વરસાદ વરસ્યો હતો.
ધ્રોલ અને જોડિયામાં વધુ 1-1 ઇંચ વરસાદ પવન સાથે વરસી ગયો હતો. ધ્રોલ તાલુકાના લૈયારામાં ઝાપટારૂપે અડધો ઇંચ અને લતીપરમાં સામાન્ય ઝાપટું પડયું હતું. જયારે જોડિયા તાલુકાના હડિયાણા, બાલંભા અને પીઠડમાં ઝાપટા પડયાના અહેવાલ છે.