Friday, April 17, 2026
Homeરાજ્યજામનગરદરેડ જીઆઈડીસીમાં ડમ્પીંગ પોઇન્ટની જગ્યામાં દબાણ મુદ્દે ધીંગાણુ

દરેડ જીઆઈડીસીમાં ડમ્પીંગ પોઇન્ટની જગ્યામાં દબાણ મુદ્દે ધીંગાણુ

ખરાબાની જગ્યા પર ગૌશાળાના સંચાલકો દ્વારા દબાણનો પ્રયાસ : પોલીસે દોડી જઇ મામલો થાળે પાડયો : સરકારમાં ઉચ્ચસ્તરે રજુઆત કરશે એસોસિએશન

જામનગરમાં દરેડ જીઆઈડીસીમાં સરકારી ખરાબાની જમીન પર ગૌશાળાના નામે દબાણ કરવાના મુદ્દે બે જુથો વચ્ચે ધીંગાણુ ખેલાતા પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી હતી. સરકારી ખરાબાની આ જમીનનો ઉપયોગ કચરાના ડમ્પીંગ પોઇન્ટ તરીકે કરવામાં આવતો હતો. પરંતુ, ગૌશાળાના સંચાલકો દ્વારા ગેરકાયદે કબ્જો કરવાનો પ્રયાસ કરવામાં આવતા આ ધીંગાણુ ખેલાયું હોવાનું બહાર આવ્યું છે. આ મુદ્દાને લઇને દરેડ જીઆઈડીસી એસોસિએશનનું રાજકારણ પણ ચર્ચાના ચાકડે ચડયું છે.

- Advertisement -

પ્રાપ્ત વિગત અનુસાર, જામનગર શહેરના છેવાડે આવેલા દરેડ ઉદ્યોગ નગરમાં સરકારી ખરાબાની જમીન પર કબ્જો જમાવવાના મુદ્દે બે જૂથો વચ્ચે સશસ્ત્ર ધીંગાણું ખેલાતા ઔદ્યોગિક વિસ્તારમાં ભારે તંગદિલીનો માહોલ સર્જાયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર, દરેડ ઉદ્યોગ નગર નજીક સરકારી જમીન પર આવેલી માં દર્શન ગૌશાળા અને જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન વચ્ચે ડમ્પિંગ પોઇન્ટની જમીન પર દબાણ કરવાના મામલે ઉગ્ર ઘર્ષણ થયું હતું. એસોસિએશન દ્વારા આ સરકારી જગ્યાનો ઉપયોગ વર્ષોથી ઉદ્યોગોમાંથી નીકળતા કચરાના નિકાલ માટે હંગામી ડમ્પિંગ પોઇન્ટ તરીકે કરવામાં આવે છે, જેનો વહીવટ એક કોન્ટ્રાક્ટર દ્વારા સંભાળવામાં આવે છે.

બીજી તરફ, ગૌશાળાના સંચાલકો દ્વારા આ જમીન પર દીવાલ ચણીને ગેરકાયદેસર રીતે દબાણ કરવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. પરિસ્થિતિ એટલી હદે વણસી ગઈ હતી કે બંને પક્ષોના 25 થી 30 લોકોનું ટોળું સામસામે આવી ગયું હતું અને તીક્ષ્ણ હથિયારો સાથે માથાકૂટ શરૂ થતાં આખરે પોલીસ કાફલાને ઘટનાસ્થળે દોડી જઈને મામલો થાળે પાડવાની ફરજ પડી હતી.

- Advertisement -

સમગ્ર વિવાદ અંગે જીઆઇડીસી એસોસિએશનના પ્રમુખ વિષ્ણુ પટેલે મીડિયા સમક્ષ આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, ગૌશાળાના પ્રમુખ ચંદુભાઈ અને તેમના મળતિયાઓ દ્વારા ગૌસેવાના નામે સરકારી જમીન પચાવી પાડવા માટે દાદાગીરી કરવામાં આવી રહી છે. તેમના જણાવ્યા અનુસાર, 15 હજાર ચોરસ ફૂટના ડમ્પિંગ પ્લોટમાંથી 10 હજાર ચોરસ ફૂટ જમીન પર છેલ્લા કેટલાક મહિનાઓમાં ગેરકાયદેસર દીવાલ ઉભી કરી દેવામાં આવી છે અને બાકીની 5 હજાર ચોરસ ફૂટ જમીન પર પણ કબ્જો જમાવવાના ઇરાદે ગઈકાલે રસ્તો રોકવા ટ્રેક્ટર આડું મૂકી દેવામાં આવ્યું હતું. આ મામલે જ્યારે કોન્ટ્રાક્ટરનો પુત્ર શ્રેયસ પટેલ સમજાવટ કરવા ગયો ત્યારે 20 જેટલા માથાભારે શખ્સોએ ટોળું વળીને તેનું ગળું દબાવી દીધું હતું. સ્વબચાવમાં શ્રેયસ પટેલે લાકડાના પટિયા વડે વળતો પ્રહાર કર્યો હોવાની ઘટના પણ સામે આવી છે.

વિષ્ણુ પટેલે સ્પષ્ટ ચીમકી આપી છે કે ગૌશાળાના નામે ચાલતી આ દાદાગીરી સાંખી લેવામાં આવશે નહીં અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ સરકારના ઉચ્ચ સ્તરે રજૂઆત કરવામાં આવશે.

- Advertisement -

એક તરફ ખરાબાની જમીન બચાવવા માટે કોન્ટ્રાક્ટર અને ગૌશાળાના માણસો વચ્ચે જીવલેણ સંઘર્ષની નોબત આવી છે, ત્યારે બીજી તરફ જીઆઇડીસી એસોસિએશનનું આંતરિક રાજકારણ અને જૂથવાદ પણ સપાટી પર આવ્યા છે. ઔદ્યોગિક વર્તુળોમાં ચાલતી વ્યાપક ચર્ચાઓ મુજબ, તાજેતરમાં રચાયેલી 21 સભ્યોની નવી કારોબારીમાં વહીવટી પીઢતા અને પરસ્પર સંકલનનો સદંતર અભાવ જોવા મળી રહ્યો છે. નવાઈની વાત એ છે કે, સમગ્ર ઉદ્યોગનગરના કચરાના નિકાલ માટેના અતિ મહત્વના એવા આ ડમ્પિંગ પ્લોટ પર ખુલ્લેઆમ દબાણ થઈ રહ્યું હોવા છતાં, એસોસિએશનના પદાધિકારીઓ બચાવ માટે ઘટનાસ્થળે ફરક્યા ન હતા. સમગ્ર વિવાદમાં માત્ર કોન્ટ્રાક્ટર જ પોતાની રીતે મેદાનમાં ઉતરીને માથાકૂટ કરી રહ્યો છે, જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓની નિષ્ક્રિયતા અને મૌન ઉદ્યોગકારોમાં અનેક સવાલો ઉભા કરી રહ્યા છે. આ ઘટનાએ ઔદ્યોગિક વસાહતના વહીવટ પર ગંભીર સવાલો ઉભા કર્યા છે અને પોલીસ તપાસ બાદ જ વધુ સત્ય બહાર આવવાની શક્યતા છે.

દબાણને પગલે જીઆઇડીસીમાં કચરા કલેક્શનની કામગીરી ઠપ્પ

જીઆઇડીસી પ્લોટ એન્ડ શેડ હોલ્ડર્સ એસોસિએશન, દરેડ દ્વારા ફેસ-2, ફેસ-3 તથા રેસીડેન્સ ઝોનના સર્વે ઉદ્યોગકારો જોગ એક સત્તાવાર નોટિસ જાહેર કરીને જણાવવામાં આવ્યું છે કે હાલમાં ઉદ્યોગનગરમાં ચાલતી ડોર-ટુ-ડોર કચરા કલેક્શનની કામગીરી ફરજિયાતપણે બંધ કરવામાં આવી છે. આ કામગીરી અટકાવવા પાછળનું મુખ્ય કારણ જણાવતા એસોસિએશનના પ્રમુખ વિષ્ણુભાઈ એમ. પટેલ અને માનદમંત્રી જીગ્નેશભાઈ બી. લાવટીએ સ્પષ્ટ કર્યું છે કે, રાજહંસ સર્કલ પાસે આવેલા કચરાના કલેક્શન પોઇન્ટ પર ‘માં દર્શન ગૌશાળા’ દ્વારા ગેરકાયદેસર દબાણ કરવામાં આવ્યું છે. ગૌશાળા દ્વારા આ જગ્યા પર વચ્ચે ગેરકાયદેસર દીવાલ ચણી દેવામાં આવી છે અને રસ્તામાં ટ્રેક્ટર મૂકીને કલેક્શન પોઇન્ટ પર જવાનો રસ્તો સંપૂર્ણપણે બંધ કરાવી દેવાયો છે. આ વિકટ પરિસ્થિતિ અને અડચણોના કારણે હાલ પૂરતું કચરો ઉપાડવાનું કામ બંધ કરાયું છે, જેની તમામ ઉદ્યોગકારોને નોંધ લેવા અપીલ કરાઈ છે. વધુમાં, એસોસિએશન દ્વારા એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જો આ દબાણના પ્રશ્નનું સત્વરે યોગ્ય નિવારણ નહીં આવે, તો આગામી અનિચ્ચિત સમય સુધી તમામ ઉદ્યોગકારોને કચરો એકત્રિત કરવા માટે જાહેર કયુઁ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular