જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં વાડી વિસ્તારમાં રમાતા જૂગાર સ્થળે સ્થાનિક પોલીસે ત્રાટકીને પાંચ શખ્સોને રૂા.7 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લઇ નાશી ગયેલા વાડી માલિક અને રાજકીય આગેવાનની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં. જામનગર તાલુકાના સાપર ગામમાં જાહેરમાં જૂગાર રમતા ચાર શખ્સોને સીક્કા પોલીસે રૂા.10,400 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો જામજોધપુર તાલુકાના પરડવા ગામની સીમમાં આવેલા દેવા ભીમા પાતાના ખેતરમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની બાતમીના આધારે પીઆઈ એ.એસ. રબારી, હેકો રાજેશભાઈ કંડોરીયા, પો.કો. નવલભાઈ આસાણી, કૃણાલભાઈ હાલા, રવિન્દ્રસિંહ જાડેજા, દિલીપસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, મેઘરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, વિમલભાઈ વૈરૂ, દેવજીભાઈ બાર, મહિલા પો.કો. રિધ્ધીબેન દવે સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન મુળુ કાના જાડેજા, ગુલમામદ રાવકરડા, હિતેશ મનસુખ જોશી, ભાવિનકુમાર મથુરાદાસ ઉદેશી અને કાયાભાઈ ભોજા મુંગાણિયા નામના પાંચ શખ્સોને તીનપતિનો જૂગાર રમતા રૂા.1,90,000 ની રોકડ રકમ અને રૂા.18000 ની કિંમતના છ નંગ મોબાઇલ ફોન તથા રૂા.5 લાખની કિંમતની કાર સહિત કુલ રૂા.7,08,000 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. રેઇડ પૂર્વે વાડી માલિક દેવા ભીમા પાતા નાશી ગયા હતાં. વાડી માલિક તાલુકા પંચાયતના ઉપપ્રમુખના પતિ હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું હતું.
બીજો દરોડો, જામનગર તાલુકાના સાપર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા હોવાની પો.કો. ભૂપેન્દ્રસિંહ જાડેજા, કૃષ્ણપાલસિંહ જાડેજા, સંકેત ભાડલા, જીતેન્દ્ર પરમારને મળેલી બાતમીના આધારે પીઆઈ વી.બી. ચૌધરી, એએસઆઈ સી.ટી. પરમાર તથા સ્ટાફે રેઈડ દરમિયાન જેન્તી છગન ગામી, વિક્રમસિંહ નાથુભા ચુડાસમા, મનિષ ચંપક રાવલ, વલ્લભ નાથા બોડા નામના ચાર શખ્સોને રૂા.10,400 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.