જામનગર પીજીવીસીએલ રીજયોનલ સ્ટોર ઓફિસમાં મોરબીની બે પેઢીઓ દ્વારા ભંગાર ભરવાના કોન્ટ્રાકટમાં આવેલા માણસોએ પૂર્વ આયોજિત કાવતરુ રચી રૂા.41.68 લાખની છેતરપિંડીના બનાવમાં પોલીસે કૌભાંડ આચરનાર ટોળકીને રૂા.54.11 લાખના મુદ્દામાલ સાથે દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

આ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ જીઆઈડીસી ફેસ-2 માં વિશાલ વે બ્રીજ સામે આવેલી જામનગર પીજીવીસીએલ કચેરીમાં રીજયોનલ સ્ટોર ઓફિસમાં મોરબીની જય બાલાજી એન્ટરપ્રાઇઝ અને મેલડી એન્ટરપ્રાઈઝ નામની પ્રોપરાઇટર પેઢીને ભંગાર ભરવાનો કોન્ટ્રાકટર આપવામાં આવ્યો હતો. આ બન્ને પેઢીના માણસો દ્વારા પૂર્વ આયોજિત કાવતરુ રચી વે-બ્રિજ નીચે જેક મારી વજનમાં ઘટાડો કરી છેતરપિંડી આચરી રૂા.41,68,315નું કૌભાંડ આચર્યુ હતું. આ પ્રકરણમાં પીજીવીસીએલના નુરમામદભાઈ વલીમામદભાઈ ખીરા નામના કર્મચારીની પોલીસ ફરિયાદના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી આર બી દેવધા અને જયવીરસિંહ ઝાલાના નેજા હેઠળ પીઆઈ વી.જે. રાઠોડ, હેકો મેરુભાઈ ભુંડીયા, પો.કો. ભયપાલસિંહ જાડેજા, ખીમાભાઈ જોગલ, જયદિપસિંહ જાડેજા, જયપાલસિંહ જાડેજા, મેહુલભાઈ વિસાણી, સંદિપસિંહ કટારીયા, પોલાભાઈ ઓડેદરા અને રાજદિપસિંહ જાડેજા સ્ટાફે તપાસ આરંભી હતી અને પોલીસે સીસીટીવી ફુટેજના આધારે તપાસ હાથ ધરતા છેતરપિંડી આચરનાર જીજે-14-એકસ-5838 નંબરનો આઈસર ટ્રક મોરકંડા ગામના પાટીયા પહેલાં ખુલ્લી જગ્યામાં રાત્રિ રોકાણ કર્યુ હતું. જેના આધારે પોલીસે સ્થળ પર પહોંચી જઇ આઇસર ટ્રક કબ્જે કર્યો હતો.
પોલીસે રૂા.13 લાખની કિંમતનો આઈસર ટ્રક કબ્જે કરી હતી. ટ્રક કબ્જે કરી આકાશ ઘોઘા ગગનજી કુંઢીયા (વ્યવસાય : ભંગારનો, રહે. મોરબી), વિકાસ ઉર્ફે ગુલ્લુ કિશોર વેરશી પનસારા (વ્યવસાય : ભંગારનો, રહે. મોરબી), અજય કુંવરજી ભલુ વિકાણી (વ્યવસાય : ભંગારનો, રહે. મોરબી), અર્જુન રાજુ હેમુ ભોજરીયા (વ્યવસાય : ભંગારનો, રહે. મોરબી), નિતેશ ઉર્ફે હિતેશ લાભુ રાયમલ કુંઢીયા (વ્યવસાય : ભંગારનો, રહે. મોરબી), અને રોહિત ઉર્ફે રાહુલ કુંવરજી ભલુ વિકાણી (વ્યવસાય : ડ્રાઈવિંગ,રહે. મોરબી) નામના છ શખ્સોને દબોચી લઇ તેમની પાસેથી રૂા.41,10,000 ની રોકડ રકમ અને લોખંડનો જેક તથા ટોમી મળી કુલ રૂા.54,11,500 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ ચોર ટોળકી ભંગારનો વેપાર કરતા હોય અને કોઇપણ પેઢી કે કંપનીનો ભંગાર માલ વેંચાણ અર્થે રાખી પૂર્વ આયોજિત કાવતરુ રચી ભંગારનો માલ ભરવા માટે મજૂરો મોકલતા હતાં અને પોતાની ગાડી કે ટ્રકમાં માલ ભરાઈ જાય એટલે વાહન વેબ્રિજમાં કાંટો કરવા જાય તે પહેલાં પૂર્વ આયોજિત કાવતરના ભાગરૂપે અગાઉથી જ એક શખ્સ વહેલીસવારે વે બ્રિજના વજનકાંટા નીચે મોકલી લોખંડનો જેક મારી ટ્રકમાં ભરેલા ભંગારના માલમાં વજનનો ઘટાડો કરી છેતરપિંડી આચરતા હતાં.