ચોમાસાની સિઝનને ધ્યાનમાં રાખીને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ (PGVCL) દ્વારા વીજ પુરવઠો અવિરત રહે અને વીજ અકસ્માતોની ઘટનાઓ અટકાવી શકાય તે માટે વ્યાપક પૂર્વ તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. જામનગર વર્તુળ કચેરી હેઠળ કુલ 39 સબ ડિવિઝન કચેરીઓ કાર્યરત છે, જેમાં જામનગર શહેર, જામનગર જિલ્લો, દેવભૂમિ દ્વારકા જિલ્લો તેમજ મોરબી જિલ્લાના અમુક વિસ્તારોનો સમાવેશ થાય છે. સમગ્ર વિસ્તારમાં 152 જેટલા 66 કે.વી. સબ સ્ટેશનો અને 1322 જેટલા 11 કે.વી. ફિડર્સ મારફતે લાખો ગ્રાહકોને વીજ પુરવઠો પૂરો પાડવામાં આવે છે.

PGVCLના વિશાળ નેટવર્કમાં અંદાજે 40 હજાર કિલોમીટર એચટી લાઈનો અને 10 હજાર કિલોમીટર એલટી લાઈનોનો સમાવેશ થાય છે. ઉપરાંત સમગ્ર સિસ્ટમમાં આશરે 12 લાખ જેટલા વીજ થાંભલાઓ કાર્યરત છે.
ચોમાસા દરમિયાન ભારે વરસાદ અને પવનને કારણે વીજ પુરવઠામાં વિક્ષેપ ન આવે તે માટે છેલ્લા ત્રણ મહિનાથી પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરી ચાલી રહી છે. શટડાઉન મેળવીને લાઈનોનું સર્વેક્ષણ કરવામાં આવી રહ્યું છે, જેમાં નડતરરૂપ ઝાડની ડાળીઓ કાપવા, નમી ગયેલા થાંભલાઓને સીધા કરવા, ઢીલા વાયર ખેંચવા તેમજ જર્જરિત વાયર બદલવાની કામગીરી કરવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં લગભગ 80 ટકા કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે, જ્યારે બાકીનું 20 ટકા કામ આગામી 15 દિવસમાં પૂર્ણ કરવાની યોજના છે.
જામનગર PGVCLના અધીક્ષક ઇજનેર હષિત વ્યાસે જણાવ્યું હતું કે ચોમાસા દરમિયાન ભારે વરસાદ, વાવાઝોડા કે તેજ પવનના કારણે કોઈપણ વિસ્તારમાં પાવર ફેલિયર સર્જાય તો તાત્કાલિક ફરિયાદોનું નિરાકરણ લાવવા માટે વધારાની મેન્ટેનન્સ અને રિપેરિંગ ટીમો પણ તૈયાર રાખવામાં આવી છે.
View this post on Instagram
ચોમાસાની ઋતુ દરમિયાન હવામાં ભેજનું પ્રમાણ વધી જતું હોવાથી તેમજ અનેક સ્થળોએ પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોવાથી વીજ અકસ્માતોની શક્યતા પણ વધી જાય છે. આથી PGVCL દ્વારા નાગરિકોને ખાસ સાવચેતી રાખવા અપીલ કરવામાં આવી છે. ચોમાસા દરમિયાન વીજ લાઈનોની નીચે વાહનો પાર્ક ન કરવા તેમજ ત્યાં ઊભા ન રહેવું. વીજ થાંભલા અને વીજ લાઈનો પાસેથી હંમેશા સુરક્ષિત અંતર જાળવવું. વીજ થાંભલાઓ સાથે બાંધેલા બોર્ડ, બેનર અથવા અન્ય સામગ્રી તાત્કાલિક દૂર કરવી. કપડાં સૂકવવાની દોરી, પશુઓને બાંધવાની સાંકળ અથવા દોરડું વીજ થાંભલા સાથે ક્યારેય ન બાંધવું. કોઈપણ પ્રકારની જોખમી સ્થિતિ નજરે પડે તો તાત્કાલિક PGVCL કચેરીનો સંપર્ક કરવો.
PGVCL વિભાગનો દાવો છે ચોમાસા દરમિયાન વીજ પુરવઠો સુવ્યવસ્થિત રહે અને વીજ અકસ્માતો ટાળી શકાય તે માટે વિભાગ દ્વારા તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે, ત્યારે નાગરિકો પણ સાવચેતી રાખીને પોતાની અને અન્ય લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરે તે જરૂરી છે. વીજગ્રાહકો પણ ઈચ્છી રહ્યા છે કે વીજ વિભાગની કામગીરી યોગ્ય રીતે અને સફળ રહે તો વીજ પુરવઠો ખોરવાય નહી.


