વિશ્વ પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકામાં અધિક પુરુષોત્તમ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડ ઉમટી રહી છે, પરંતુ શહેરની સાંકડી માર્ગ વ્યવસ્થા અને ટ્રાફિક નિયંત્રણના અભાવે સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ત્યારે માનવતાને ઝંઝોળી નાખે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં અંતિમ યાત્રાનું વાહન પણ ટ્રાફિક જામમાં ફસાઈ જતા લોકોમાં રોષ ફેલાયો છે.
મળતી માહિતી મુજબ દ્વારકાના શાક માર્કેટ ચોક વિસ્તારમાં આવેલ સ્વામિનારાયણ મંદિર પાસેથી નીકળેલી અંતિમ યાત્રા દરમિયાન શબ વાહિની ભારે ટ્રાફિકના કારણે રસ્તા વચ્ચે જ અટકી પડી હતી. રસ્તાઓ પર વાહનોની લાંબી કતારો અને અવ્યવસ્થિત પાર્કિંગને કારણે વાહન આગળ વધી શક્યું નહોતું. સ્થિતિ એટલી ગંભીર બની હતી કે અંતે પરિવારજનો અને સ્થાનિક લોકોને શબને ખભે લઈને ચાલતા ચાલતા સ્મશાન સુધી પહોંચવાની ફરજ પડી હતી. આ સમગ્ર ઘટનાએ યાત્રાધામ દ્વારકાની ટ્રાફિક વ્યવસ્થાની પોલ ખોલી નાખી છે. લોકોમાં ચર્ચા છે કે જ્યાં એક તરફ હજારો શ્રદ્ધાળુઓ ભગવાન દ્વારકાધીશના દર્શન માટે આવી રહ્યા છે, ત્યાં બીજી તરફ શહેરની મૂળભૂત ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગઈ છે.
અધિક પુરુષોત્તમ માસને કારણે રોજબરોજ મોટી સંખ્યામાં વાહનો શહેરમાં પ્રવેશી રહ્યા છે, પરંતુ સાંકડા રસ્તાઓ, ગેરવ્યવસ્થિત પાર્કિંગ અને પૂરતા ટ્રાફિક નિયંત્રણના અભાવે શહેરમાં સતત ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે. માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ ઇમરજન્સી સેવાઓ પણ આ ટ્રાફિકમાં અટવાઈ રહી છે.
લોકોએ આક્ષેપ કર્યો હતો કે જો આવી જ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં કોઈ ગંભીર ઈમરજન્સી સમયે મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સ અને અન્ય તાત્કાલિક સેવાઓના વાહનો પણ ટ્રાફિકમાં ફસાઈ જતા હોવાની ફરિયાદો ઉઠી રહી છે. આ ઘટનાના પગલે સ્થાનિકોમાં તંત્ર સામે ભારે નારાજગી જોવા મળી રહી છે. લોકો દ્વારા યાત્રાધામમાં ટ્રાફિક નિયંત્રણ માટે ખાસ આયોજન, પાર્કિંગ વ્યવસ્થા, વન-વે સિસ્ટમ તેમજ ઈમરજન્સી વાહનો માટે અલગ માર્ગની વ્યવસ્થા કરવાની માંગ ઉઠી રહી છે.
View this post on Instagram
દ્વારકા જેવી વિશ્વ વિખ્યાત ધાર્મિક નગરીમાં અંતિમ યાત્રા પણ પીડાદાયક બની જાય તેવી પરિર્સ્થિતિએ અનેક સવાલો ઉભા કર્યા છે.


