જામનગરમાં જૂના રેલવે સ્ટેશન પાસેના ભીમવાસમાં રહેતાં અને મજૂરી કામ કરતા પ્રૌઢને ફેફસાની બીમારી સબબ બેશુદ્ધ થઈ જતા સરકારી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરના જૂના રેલવે સ્ટેશન પાસે આવેલા ભીમવાસ શેરી નં.1 માં રહેતા અને મજૂરી કામ કરતા વસંતભાઈ રાજાભાઈ પરમાર (ઉ.વ.57) નામના પ્રૌઢને છેલ્લાં બે વર્ષથી ટીબીની અને ફેફસાંની બીમારી થઈ હતી. આ બીમારીની સારવાર ચાલુ હતી તે દરમિયાન સોમવારે સવારના સમયે તેના ઘરે એકાએક બેશુદ્ધ થઈ જતાં સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સોમવારે રાત્રે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકના પુત્ર અશ્ર્વિનભાઈ દ્વારા જાણ કરાતા હેકો જે એચ મકવાણા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ આરંભી હતી.