બંધ રૂમમાં સ્પા-મસાજ ન કરાવવા જોઇએ. સ્પા સેન્ટરમાં સીસીટીવી કેમેરા લગાવો. સીઆઇડી ક્રાઇમે સરકારને આવા 35 સૂચન આપ્યા છે. જો સરકાર આ સૂચનોનો અમલ કરશે તો હવે સ્પા સંચાલકોએ તે કડક નિયમો પાળવા પડશે.
સ્પાના ઓઠા હેઠળ ગુજરાતમાં કેટલીક જગ્યાએ દેહવિક્રય ચાલતો હોવાનું ઘણીવાર સામે આવી ચુક્યું છે. થોડા સમય પહેલાં સીઆઇડી ક્રાઇમે એક સાથે 35 જગ્યાએ દરોડા પાડીને 24 ગુનાઓ નોંધ્યા હતા. જેને ધ્યાનમાં લઇને આ બદીને રોકવા માટે ગુજરાતમાં શું કરવું જોઇએ તે અંગે રાજ્યના સી.આઇ.ડી. ક્રાઇમ વિભાગે સરકારને સૂચન કર્યા છે. જેના પર સરકાર આગામી દિવસોમાં નિર્ણય લે તેવી શક્યતા છે.
અન્ય રાજ્ય અને વિદેશથી ગુજરાતમાં આવતી ઘણી મહિલાઓ રાજ્યમાં આવેલા સ્પા અને મસાજ સેન્ટરમાં પણ કામ કરે છે. આવા સ્પા સેન્ટર્સ નોંધાયેલા નહીં હોવાના કારણે આર્થિક, સામાજિક રીતે પછાત મહિલાઓ, વિદેશી મહિલાઓ વિઝીટર-ટૂરિસ્ટ વિઝા પર એજન્ટો મારફતે આવતી હોય છે. એજન્ટો આવી મહિલાઓની મજબૂરીનો લાભ ઉઠાવે છે. તેમને વિવિધ લોભ અને લાલચ આપી માન તસ્કરી કરી સ્પા અને મસાજ સેન્ટર્સમાં ગેરકાયદેર પ્રવૃત્તિ કરાવે છે.આ પ્રકારની પ્રવૃત્તિ સદંતર નાબૂદ થાય તે માટે UNODC (યુનાઇટેડ નેશન્સ ઓફિસ ઓન ડ્રગ્સ એન્ડ ક્રાઇમ), કેન્દ્રીય ગૃહ મંત્રાલય તથા રાજ્ય સરકાર સમયાંતરે એડવાઇઝરી આપે છે.આવી પ્રવૃત્તિને અટકાવવા માટે ગુજરાતમાં 40 એન્ટિ હ્યુમન ટ્રાફિકીંગ યુનિટ કાર્યરત છે. તેમ છતાં ક્યાંક કસર રહેતી હોવાનું ખુલ્યું છે. જેના લીધે હોટલ અને સ્પા સેન્ટર્સમાં દેહવિક્રયની પ્રવૃત્તિ વ્યાપક રીતે ચાલતી હોવાનું સીઆઇડી ક્રાઇમના ધ્યાનમાં આવ્યું છે. સ્પા તથા મસાજ સેન્ટરો ચલાવવા માટે હાલમાં કોઇ નિયમો કે જાહેરનામું નથી. જેથી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સમગ્ર ગુજરાતમાં ચાલતા સ્પા તથા મસાજ સેન્ટર્સ માટે તાત્કાલિક નિયમો બનાવવાની જરૂર હોવાનું સૂચન સીઆઇડી ક્રાઇમે કર્યું છે.