કોરોના સંદર્ભે ગુજરાત આરોગ્ય કટોકટી તરફ ધકેલાઇ રહ્યું છે એવું રાજયની વડી અદાલતે સુઓમોટો દરમ્યાન જાહેર કર્યું. તેના પ્રત્યુતરમાં રાજય સરકાર વતી આજે સોમવારે સવારે વડી અદાલતમાં હાજર રહેલાં એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ સરકારનો બચાવ કરવાના ભરપૂર પ્રયાસ કર્યા પરંતુ વાસ્તવિકતામાં તેઓએ કરેલો બચાવ હવાતીયા પૂરવાર થયો છે.

આજે સવારે સુનાવણી દરમ્યાન સરકાર વતી હાજર રહેલાં એડવોકેટ જનરલ દ્વારા સરકારના બચાવમાં પુષ્કળ વાકયો બોલવામાં આવ્યા છે. પરંતુ સરકાર હાલની ગંભીર પરિસ્થિતિને આગામી દિવસોમાં કેવી રીતે ટેકલ કરશે ? તે અંગે તેઓએ ખાસકોઇ વાતચીત કરી નથી. પરંતુ સરકારી અધિકારીઓ અને ખુદ સરકારને નામોશીથી બચાવવા માટે તેઓએ પોતાની ફરજના ભાગરૂપે પુષ્કળ પ્રયાસો કર્યા. જો કે, તે દરમ્યાન તેઓ ખુદ હાસ્યાસ્પદ સ્થિતિમાં મૂકાઇ ગયા હતાં. કેમ કે, તેઓએ મિડીયાને નિશાન બનાવી એવું નિવેદન આપ્યું છે કે, રાજયની કોરોના હોસ્પિટલોમાં બેડની અછત નથી. તેઓએ આડકતરી રીતે મિડીયાના સમાચારોને ગેરવ્યાજબી અથવા ખોટાં દેખાડવાનો પ્રયાસ કર્યો છે. તેઓ ગુજરાતમાં ન રહેતાં હોય અથવા ગુજરાતની પરિસ્થિતિથી અજાણ હોય તેવું વડીઅદાલતમાં તેઓના પ્રત્યુતરમાં દેખાઇ રહ્યું છે.
તેઓએ અત્યાર સુધીમાં જાહેર થઇ ગયેલાં સરકારી આંકડાઓ વધુ એક વખત જાહેર કરી, નેતાઓ જેવાં પ્રતિભાવો વડી અદાલતમાં આપ્યા હતાં અને ઘસાઇ ગયેલી રેકોર્ડ વગાડી હતી. તેઓએ એમ પણ કહ્યું હતું કે, સરકાર લોકડાઉનના પક્ષમાં નથી. લોકડાઉન કરવાથી ગરીબોને મુશ્કેલીઓ પડે એ પ્રકારના બચાવ સાથે તેઓએ રેમડેસિવિર ઇન્જેકશન અંગે પણ પ્રદેશ ભાજપા અધ્યક્ષ સી.આર.પાટીલનો પોતાના પ્રત્યુતરોમાં બચાવ કર્યો હતો. આ ઉપરાંત સરકારની જે કોરોના ગાઇડલાઇન છે, તે અને અન્ય સરકારી વિગતો છે, તે વિગતો તેઓએ વધુ એક વખત વડી અદાલતમાં દોહરાવી હતી.
આ તકે હાઇકોર્ટે લોકોને કોરોના અંગે વધુ સંવેદનશીલ બનવાની સલાહ આપી હતી અને લોકોને સતર્ક રાખવાની તેમજ કોવીડ પ્રોટોકોલનું પાલન કરવાની તેમજ કરાવવાની તેમજ કોરોના અંગે લોકોને સતર્ક કરવાની જવાબદારી સરકારની છે. ત અંગે પણ અદાલતે સરકારને ટકોર કરી હતી.
બીજી બાજુ એડવોકેટ જનરલના માધ્યમથી ગુજરાત સરકારે વડીઅદાલતમાં એમ જણાવ્યું હતું કે, અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં સ્થિતિ નિયંત્રણમાં છે. દર ચાર દર્દીએ એક પૂરૂષ અથવા સ્ત્રી નર્સની વ્યવસ્થા ઉપલબ્ધ છે. જો કે, રાજયમાં રેમડેસિવિર ઇન્જેકશનના કાળાબજાર થઇ રહ્યા હોય રહ્યા હોવાનો આડકતરો સ્વિકાર એડવોકેટ જનરલ દ્વારા કરવામાં આવ્યો હતો.
નવાઇની વાત એ છે કે, એડવોકેટ જનરલે સરકારની ત્રુટીઓ અને સરકારની ઓછી સતર્કતા અને વિલંબ અંગે કશું બોલવાને બદલે મિડીયાને ગંભીરતાથી રિપોર્ટીંગ કરવાની સલાહ આપી હતી. અત્રે એ પણ નોંધનીય છે કે, મિડીયાના છેલ્લાં 15 દિવસના આક્રમક અને વાસ્તવલક્ષી રિપોર્ટીંગને કારણે સરકાર અને તંત્રો દોડતા થયા છે. જે સૌ જાણે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં કોરોના સંદર્ભે આરોગ્ય સ્થિતિ કટોકટી તરફ ધકેલાઇ રહી છે એવું વડી અદાલતે ખુદે કોઇની પણ જાહેરહિતની અરજી ન હોવા છતાં સુઓમોટો મારફત હાઇકોર્ટે સરકારને ટકોર કરતાં સરકાર બચાવની સ્થિતિમાં મુકાઇ ગઇ છે અને રાજયના નાગરિકો વતી હાઇકોર્ટે આ પ્રકારની વિગતો સરકારના ધ્યાનમાં મૂકતાં સરકારને એક પ્રકારનો આંચકો અનુભવાયો છે. અને તેથી સરકારે એડવોકેટ જનરલના માધ્યમથી વડી અદાલતમાં સરકાર અને તંત્રના બચાવ માટે ભરપૂર પ્રયાસો કર્યા છે. જોકે, એડવોકેટ જનરલના પ્રતિભાવથી હાઇકોર્ટ જરા પણ પ્રભાવિત થઇ નથી અને હાઇકોર્ટે સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે, સરકાર સ્થિતિ સલામત હોવાનો દાવો કરે છે પરંતુ ગુજરાતમાં વાસ્તવિક સ્થિતિ ભયાનક છે.
હાઇકોર્ટના કોરોના સંદર્ભે આ પ્રકારના કડક વલણને કારણે રાજય સરકારન તથા તંત્રોને સાવ સ્પષ્ટ શબ્દોમાં કહિએ તો નીચાં જોણું થયું છે. આશા રાખીએ કે, રાજય સરકાર વડી અદાલતની સંવેદનશીલતા અને ચિંતા પારખી જઇ હવે પછીના દિવસોમાં ઝડપથી અને પરિણામલક્ષી કાર્યવાહી કરશે.