જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક કલેકટર ડો.સૌરભ પારઘીના અધ્યક્ષ સ્થાને મળી હતી. બેઠકમાં કાલાવડના ધારાસભ્ય પ્રવિણભાઇ મૂસડીયા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશી ચનીયારા દ્વારા રજુ કરાયેલ પ્રશ્નો અંગે સંબંધિત અધિકારીઓને જરૂરી તપાસ કરી સત્વરે વિગતવાર અહેવાલ રજુ કરવા કલેકટર ડો.સૌરભ પારઘીએ સૂચના આપી હતી.
જામનગર જિલ્લા સંકલન તેમજ ફરિયાદ સમિતિની બેઠકમાં પદાધિકારીઓ તરફથી રજુ થયેલા પ્રશ્નોની કલેક્ટરએ સમીક્ષા કરી હતી અને જનપ્રતિનિધિઓ તેમજ લોકોના પ્રશ્નો પરત્વે વિશેષ લક્ષ્ય કેન્દ્રિત કરી સમય મર્યાદામાં તે પ્રશ્નોનો નિકાલ લાવવા ઉપસ્થિત અધિકારીઓને સૂચના આપી હતી. બેઠકમાં જિલ્લાની વિવિધ કચેરીઓના વડાઓ દ્વારા રજૂ કરાયેલ રજૂઆતો તેમજ પ્રશ્નો કલેક્ટરએ સાંભળ્યા હતાં અને તે પરત્વે યોગ્ય સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ બેઠકમાં અધિક નિવાસી કલેકટર એમ.પી.પંડ્યા, એ.એસ.પી. પાંડે, સર્વે પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, તાલુકા વિકાસ અધિકારીઓ સહિત વિવિધ કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.