જામનગર શહેરના ગોકુલનગર વિસ્તારમાંથી સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે પોરબંદરના શખ્સને 192 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા અને મોબાઇલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
દારૂના આ દરોડાની મળતી વિગત મુજબ જામનગર શહેરના ગોકુલનગર નજીક આશાપુરા સર્કલ વિસ્તારમાંથી પસાર થતાં રાજ હરિશ મદલાણી (ઉ.વ.27) (રહે. પોરબંદર) નામના શખ્સને સિટી ‘સી’ ડિવિઝન પોલીસ સ્ટાફે આંતરીને તલાશી લેતા રાજના કબ્જામાંથી રૂા. 23,520ની કિંમતના 192 નંગ ઇંગ્લીશ દારૂના ચપટા મળી આવતા પોલીસે રૂા. 10 હજારની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા. 33,520નો મુદામાલ સાથે ધરપકડ કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેથી પસાર થતાં મહેન્દ્રસિંહ ઉર્ફે ભોલિયો જયેન્દ્રસિંહ ઝાલા નામના શખ્સને સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફે રોકાવી તલાશી લેતા તેના કબ્જામાંથી રૂા. 2200ની કિંમતની ઇંગ્લીશ દારૂની બે બોટલ મળી આવતા પોલીસે મહેન્દ્રસિંહની ધરપકડ કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી.
ત્રીજો દરોડો જામનગર શહેરના રણજિતસાગર રોડ પર કાલિન્દી સ્કૂલની બાજુમાં રહેતાં રોહિત ધીરજલાલ નંદાના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમીના આધારે સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટાફને રેઇડ દરમ્યાન મકાનમાં તલાશી દરમ્યાન રૂપિયા 400ની કિંમતના ચાર નંગ ઈંગ્લીશ દારૂના ચપટા મળી આવતાં ધરપકડ કરી હતી.