જામનગર શહેરના વંડાફળી વિસ્તારમાં રહેતા પ્રૌઢ સાથે દેશી દારૂનું વેચાણ કરવા બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી ચાર શખ્સોએ વિભાજી સ્કૂલ નજીક મઘ્યરાત્રિના પ્રૌઢ ઉપર લોખંડના પાઇપ વડે આડેધડ માર મારી, મકાન ખાલી કરી નાખવા પતાવી દેવાની ધમકી આપી હતી.
હુમલાના બનાવની વિગત મુજબ જામનગર શહેરના પંચેશ્વર ટાવરની વંડા ફળીમાં રહેતાં ભરતભાઇ ઉર્ફે ભલ્લાભાઇ કાનજીભાઇ ઢાપા (ઉ.વ. 55) નામના વેપારી પ્રૌઢને દારૂનું વેચાણ કરતા રાહુલ રાઠોડ સાથે બોલાચાલી થઇ હતી. જેનો ખાર રાખીને મધ્યરાત્રિના સવા બે વાગ્યાના અરસામાં ભરતભાઇ તેના બાઇક પર વિભાજી સ્કૂલ પાસેથી પસાર થતા હતા ત્યારે રાહુલ રાઠોડ, મયૂર રાઠોડ નામના બે શખ્સોએ બાઇક પર આવી પ્રૌઢના બાઇક સાથે બાઇક અથડાવ્યું હતું. ત્યારબાદ લોખંડના પાઇપ વડે પ્રૌઢ ઉપર હુમલો કર્યો હતો. તેમજ બે અજાણ્યા શખ્સોએ આવ્યા હતા. ચારેય શખ્સોએ એકસંપ કરી લોખંડના પાઇપ વડે પ્રૌઢને આડેધડ માર માર્યો હતો. તેમજ રાહુલએ મકાન ખાલી કરી નાખજે નહીંતર પતાવી દઇશું તેવી ધમકી આપી હતી. હુમલામાં ઘવાયેલા પ્રૌઢને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બનાવની જાણના આધારે પીએસઆઇ એમ. કે. બલોચ તથા સ્ટાફએ ચાર શખ્સો વિરૂઘ્ધ હુમલાનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.