Wednesday, November 29, 2023
Homeરાજ્યજામનગરપ્રેમસંબંધનો અંજામ લોહિયાળ બને તે પહેલાં ત્રણ શખ્સોની ધરપકડ

પ્રેમસંબંધનો અંજામ લોહિયાળ બને તે પહેલાં ત્રણ શખ્સોની ધરપકડ

ખંભાળિયાના યુવાનની હત્યાના ઈરાદે આવેલા ત્રણ શખ્સને એલસીબીએ દબોચ્યા: મામા-ફોઈના ભાઈ-બહેનના સંબંધ વચ્ચે યુવાનની હત્યાનું કાવતરૂ ઘડાયું

- Advertisement -

ખંભાળિયામાં રહેતા એક વિપ્ર યુવાનને તેની ફોઈની દીકરી એવી પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધ થયા બાદ આ પરિણીત મહિલાએ છૂટાછેડા લઈ લેતા આ પ્રકરણ લોહિયાળ બને અને ખંભાળિયામાં રહેતા યુવાનની હત્યા નીપજાવવામાં આવે તે પૂર્વે ખંભાળિયાના પાદરમાંથી જિલ્લા એલસીબી પોલીસે યુવાનના દૂરના પરિચિત એવા ત્રણ શખ્સોને જીવલેણ હથિયારો સાથે દબોચી લીધા હતા.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની એલસીબી સૂત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ ખંભાળિયામાં રહેતા તુષાર મોતા નામના વેપારી યુવાનને જામનગર ખાતે રહેતી તેની ફોઈની દીકરી બહેન જ્યોતિબેન સાથે પ્રેમ સંબંધ બંધાયો હતો. બે સંતાનોની માતા એવી જ્યોતિબેનને તેણીના પરિણીત એવા મામાના દિકરા તુષાર મોતા સાથે પ્રેમ સંબંધના કારણે તુષાર તેણીને જામનગરથી ભગાડી ગયો હતો. આ અંગેની અરજી જ્યોતિબેનના પતિ દ્વારા સ્થાનિક પોલીસમાં અપાઈ હતી.

આ જ્યોતિબેનના લગ્ન આજથી આશરે 14 વર્ષ પૂર્વે જામનગરમાં રાંદલનગર વિસ્તારમાં રહેતા કેતન કિશોરભાઈ મહેતા સાથે થયા હતા. તુષાર તેની પત્નીને લઈને ભાગી ગયાના આઠ દિવસ બાદ બંને પરત મળી આવ્યા હતા. બાદમાં કેતનની પત્ની જ્યોતિબેનને પોતાના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા હતા અને તેણી મોટી ખાવડી ખાતે પોતાના માવતરે રહેવા જતી રહી હતી.

- Advertisement -

આમ, પરિવાર વેર-વિખેર થઈ જતા તુષારને મારી નાખવાના ઈરાદાથી ત્રણ શખ્સો બુધવારે રાત્રે ખંભાળિયા નજીકના માર્કેટિંગ યાર્ડ પાસે આવી અને હથિયારો સાથે ગાડી ચલાવતા તુષાર નીકળે ત્યારે તેનું ઢીમ ઢાળી દેવા માટે તૈયાર હોવાની ચોક્કસ બાતમી એલ.સી.બી.માં ફરજ બજાવી ચૂકેલા એએસઆઈ અરજણભાઈ ચંદ્રવાડીયાને મળી હતી.
આ પ્રકરણ અંગે એલસીબીના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ની ટીમ દ્વારા તાકીદે આ સ્થળે દોડી જઈ અને મોટરસાયકલ પર આવેલા મયુર કિશોરભાઈ મહેતા (ઉ.વ. 36), કેતન કિશોરભાઈ મહેતા (ઉ.વ. 33) અને જામનગરમાં તિરૂપતિ સોસાયટી વિસ્તારમાં રહેતા મયુર જગદીશભાઈ ભટ્ટ (ઉ.વ. 26) નામના ત્રણ શખ્સોને દબોચી લીધા હતા. હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોની તપાસમાં પોલીસને આ શખ્સો પાસેથી મરચાની ભૂકી, લોખંડના ત્રણ મજબૂત પાઇપ તેમજ ધારદાર છરી મળી આવી હતી. તુષાર મોતાની હત્યા કરવાનો નિર્ધાર કરીને ગત રાત્રિના સમયે આવેલા ઉપરોક્ત શખ્સો દ્વારા હત્યા નીપજાવવામાં આવે તે પૂર્વે મુદ્દામાલ સાથે ઉપરોક્ત ત્રણેય શખ્સોની અટકાયત કરી લઈ અને વધુ તપાસ અર્થે આ શખ્સોનો કબજો ખંભાળિયા પોલીસને સોંપી દેવામાં આવ્યો હતો.

ઝડપાયેલા આ આરોપીઓને પોલીસે અદાલતમાં રજૂ કરતા નામદાર અદાલત દ્વારા આરોપીઓને જેલ હવાલે મોકલી દેવા માટેનો હુકમ કરવામાં આવ્યો છે. આ પ્રકરણમાં એલસીબી વિભાગના એ.એસ.આઈ. અરજણભાઈ મારુની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસે કેતન કિશોરભાઈ મહેતા, મયુર કિશોરભાઈ મહેતા અને મયુર જગદીશભાઈ ભટ્ટ સામે આઈ.પી.સી. કલમ 307, 120 (બી) તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, મોટરસાયકલ સહિત કુલ રૂપિયા 53,560 નો મુદ્દામાલ કબજે કર્યો છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. ભાર્ગવ દેવમુરારી અને એસ.વી. ગળચર, એ.એસ.આઈ. અરજણભાઈ મારુ, અજીતભાઈ બારોટ, વિપુલભાઈ ડાંગર, સહદેવસિંહ જાડેજા, હસમુખભાઈ કટારા, ગોવિંદભાઈ કરમુર, અરજણભાઈ ચંદ્રવાડીયા વિગેરે દ્વારા કરવામાં આવી હતી. આ પ્રકરણમાં આગળની તપાસ અહીંના ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી ચલાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular