Wednesday, September 11, 2024
Homeરાજ્યહાલારભાણવડમાં સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

ભાણવડમાં સગીરાના અપહરણ તથા દુષ્કર્મના કેસમાં આરોપીને 10 વર્ષની કેદ

- Advertisement -

ભાણવડ પંથકમાં રહેતી એક પરિવારની સગીર વયની પુત્રીને ભાણવડ તાલુકાના મોટા ગુંદા ગામે રહેતો ભરત ઉર્ફે કાનો અરજણભાઈ નાથાભાઈ ભટ્ટી નામનો 24 વર્ષનો શખ્સ ગત તારીખ 12 સપ્ટેમ્બર 2019 ના રોજ રાત્રિના સમયે મોટરસાયકલ નંબર જી.જે. 37 ડી. 8669 માં બેસાડીને બદકામ કરવાના ઇરાદાથી આ સગીરાને લલચાવી ફોસલાવીને લગ્ન કરવાની લાલચ આપી, અપહરણ કરીને લઈ ગયો હતો.

- Advertisement -

ઉપરોક્ત સગીરાને મોટરસાયકલ મારફતે અપહરણ કરીને લઈ ગયા બાદ ગીર સોમનાથ જિલ્લાના ઉના ખાતેની એક કંપનીમાં લઈ જઈ અને ત્યારબાદ ડેસર ગામે આરોપી ભારતે સગીરાને પોતાની પત્ની તરીકે સાથે રાખીને અવારનવાર શરીર સંબંધ બાંધી, દુષ્કર્મ આચર્યું હતું. આનાથી સગીરા ગર્ભવતી બની ગઈ હતી અને તેણે એક બાળકને જન્મ આપ્યો હતો.

આ સમગ્ર પ્રકરણ અંગે સગીરાના પરિવારજન દ્વારા ઉપરોક્ત આરોપી સામે ગત તારીખ 14 સપ્ટેમ્બર 2019 ના રોજ ભાણવડ પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી હતી. જેને અનુલક્ષીને પોલીસે આરોપી સામે આઈ.પી.સી. કલમ 363, 366, 376, પોક્સો એક્ટ વિગેરે હેઠળ ગુનો નોંધી, આ પ્રકરણમાં તપાસનીસ અધિકારી જી.આર. ગઢવીએ ભોગ બનનાર સગીરાની મેડિકલ તપાસણી સહિતના પુરાવાઓ એકત્ર કરી અને આ અંગેનું ચાર્જશીટ ખંભાળિયાની એડિશનલ સેશન્સ કોર્ટના જજ શ્રી વી.પી. અગ્રવાલ સમક્ષ રજૂ કર્યું હતું.

- Advertisement -

આ અંગેનો કેસ ચાલી જતા જિલ્લા સરકારી વકીલ એલ.આર. ચાવડા દ્વારા રજૂ કરવામાં આવેલા વિવિધ આધાર પુરાવાઓ તેમજ મેડિકલ ઓફિસર, ફરિયાદી અને ભોગ બનનારની જુબાની, વિગેરેને ધ્યાને લઈ અને નામદાર અદાલતે આરોપીને પોક્સો તેમજ દુષ્કર્મના કેસમાં તકસીરવાન ઠેરવી, 10 વર્ષની સખત કેદ તથા રૂપિયા 15,000 નો દંડ ફટકારતો હુકમ કર્યો છે. આટલું જ નહીં, ભોગ બનનારના સામાજિક, આર્થિક અને માનસિક પુનર્વસનના હેતુથી વિટનેસ કમ્પન્સેશન સ્કીમ હેઠળ રૂપિયા એક લાખનું વળતર ચૂકવવા માટે પણ હુકમ કર્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular