Thursday, September 12, 2024
Homeરાજ્યહાલારખીરસરા ગામે થયેલ છરીબાજીના બનાવમાં આરોપી દ્વારા પણ પૂર્વ પત્ની, સાસુ સહિત...

ખીરસરા ગામે થયેલ છરીબાજીના બનાવમાં આરોપી દ્વારા પણ પૂર્વ પત્ની, સાસુ સહિત છ સામે ફરિયાદ

- Advertisement -

કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે ગુરુવારે રાત્રે થયેલા છરીબાજીના બનાવમાં બે યુવાનો પર થયેલા છરી વડે હુમલાના પ્રકરણમાં પેરોલ પર છૂટીને આવેલા આરોપી દ્વારા પણ ફરિયાદી બની, અને પૂર્વ પત્ની, તેણીના પતિ, પૂર્વ સાસુ સહિત છ શખ્સો સામે છરી વડે હુમલો કરી, ઈજાઓ પહોંચાડવા સબબ ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે પોરબંદર તાલુકાના ધરમપુર વિસ્તારમાં રહેતા અને હાલ એક કેસમાં 20 વર્ષની સજા દરમિયાન પેરોલ પર છૂટીને આવેલા દિનેશભાઈ હરિશભાઈ મારુ નામના 27 વર્ષના યુવાન દ્વારા કલ્યાણપુર તાલુકાના ખીરસરા ગામે રહેતા કિશન ભીખાભાઈ વાઘ, તેના પત્ની કિંજલબેન કિશનભાઈ વાઘ, કિંજલબેનના ભાઈ રવિ, કિંજલબેનની માતા ટમુબેન (રહે. ધરમપુર – પોરબંદર), કિશનના કુટુંબી ભાઈ સુગાભાઈ તેમજ દુદાભાઈ ગામના છ શખ્સો સામે કલ્યાણપુર પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદી દિનેશભાઈ મારુના લગ્ન અગાઉ કિંજલબેન સાથે થયા હતા. અને ત્યાર બાદ તેઓના છૂટાછેડા થઈ ગયા હતા. લગ્નજીવન દરમ્યાન તેમને એક પુત્રીનો જન્મ થયો હતો. જે કિશન તથા કિંજલ સાથે રહેતી હતી. પોતાની પુત્રીને ફરિયાદી દિનેશભાઈ ઉપરોક્ત દંપતી પાસેથી મેળવવા ઈચ્છતા હોય, તેઓ ગુરુવારે રાત્રે આશરે આઠેક વાગ્યે ખીરસરા ખાતે કિશન વાઘના ઘરે ગયા હતા. અહીં કિશને તેના કુટુંબી ભાઈ સુગાભાઈ તથા દુદાભાઈને બોલાવ્યા હતા અને તેઓએ ફરિયાદી દિનેશભાઈને પોતાની દીકરી આપવાની ના કહી, કિશને દિનેશને બે ફડાકા ઝીંકી દીધા હતા.

- Advertisement -

આ રીતે થયેલી બોલાચાલી બાદ દિનેશે આરોપીને ડરાવવા માટે પોતાની પાસે રહેલી છરી કાઢતા કાઢી કિશન ઉપર ઘા કરતા વચ્ચે આવેલા દુદાભાઈને આ છરી હાથમાં વાગી હતી. ત્યાર બાદ કિશનને માથાના ભાગે છરી વાગી હતી. આ પછી કિશને દિનેશ પાસે રહેલી છરી ઝૂંટવીને તેના પેટમાં હૂલાવી દીધી હતી. આ ઝપાઝપીમાં ફરિયાદી દિનેશને પેટમાં છરીનો બીજો ઘા પણ વાગી ગયો હતો. ત્યાર બાદ અન્ય આરોપીઓએ પણ દિનેશને લાકડી વડે બેફામ માર મારી, ગંભીર ઈજાઓ પહોંચાડતા તેમને વધુ સારવાર અર્થે જામનગર ખસેડવામાં આવ્યા હતા.

આમ, આરોપીઓ દ્વારા ફરિયાદી દિનેશ મારુને બિભત્સ ગાળો કાઢી, છરી વડે ઇજાઓ પહોંચાડવા સબબ કલ્યાણપુર પોલીસે મહિલાઓ સહિત તમામ છ શખ્સો સામે આઈ.પી.સી. કલમ 323, 324, 114 તથા જી.પી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. વી.આર. શુક્લ દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular