એનસીસી ગુજરાત ડાયરેકટરની અધ્યક્ષતામાં જામનગર એનસીસી ગ્રુપ હેડ ક્વાર્ટર દ્વારા ‘સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન’નું આયોજન કરવામાં આવ્યું છે.

12-20 ફેબ્રુઆરી 2025 દરમિયાન પોરબંદરથી દીવ સુધી 4 (ચાર) ગુજરાત નેવલ યુનિટ એનસીસી દ્વારા સૌરાષ્ટ્ર સમુદ્ર મંથન નૌકાયન અભિયાન હાથ ધરવામાં આવી રહ્યું છે. આ સાહસિક સમુદ્રી સફરમાં ગુજરાત ડાયરેક્ટરેટના તમામ નેવલ યુનિટના 75 સિનિયર વિભાગના કેડેટ્સ (45 યુવકો + 30 યુવતીઓ) ભાગ લઈ રહ્યા છે તેઓ કુલ 220 કિમીનું દરિયાઈ અંતર નૌકામાં કાપશે.
કેમ્પ કમાન્ડન્ટ લેફ્ટનન્ટ કમાન્ડર સૌરભ અવસ્થીએ ગુજરાતમાં નેવલ એનસીસીની વિસ્તૃત પ્રવૃત્તિઓ વિશે સંક્ષિપ્તમાં માહિતી આપીને આ કાર્યક્રમની શરૂઆત કરી હતી. તેમણે એનસીસી કેડેટ્સની વિવિધ સિદ્ધિઓ અને તાજેતરમાં કેન્દ્ર અને રાજ્ય બંને સ્તરે તેઓને એનાયત થયેલા પુરસ્કારોનો પણ ઉલ્લેખ કર્યો હતો.
12 ફેબ્રુઆરીના રોજ પોરબંદર જેટીથી નૌકા અભિયાનને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું, રીઅર એડમિરલ સતીશ વાસુદેવ (નૌસેના મેડલ), ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ગુજરાત નેવલ એરિયા, જેઓ આ પ્રસંગે મુખ્ય મહેમાન હતા. આ પ્રેરક અને કેડેટ્સને ઉત્સાહિત કરતા કાર્યક્રમમાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના અધિકારીઓ, નૌકાદળના જહાજોના કમાન્ડિંગ અધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી.
તેમના સંબોધન દરમિયાન, મુખ્ય અતિથિએ પ્રેક્ષકોને ગુજરાતના દરિયાકાંઠા અને ભારતના પ્રાચીન દરિયાઇ ઇતિહાસમાં તેના મહત્વ વિશે રસપ્રદ માહિતી આપી હતી. તેમણે કેડેટ્સને દરિયાકાંઠાને સુરક્ષિત રાખવામાં ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા ભજવવામાં આવતી ભૂમિકા વિશે પણ માહિતગાર કર્યા હતા તેમજ તેમને દરિયાઈ અભિયાનમાં સક્રિય રસ લેવા અને નાવિક તરીકેની રોમાંચક અને સાહસિક જીવન શૈલીનો અનુભવ કરવા તથા કારકિર્દીના વિકલ્પ તરીકે સશસ્ત્ર દળોને પસંદ કરવા માટે પણ પ્રેરિત કર્યા હતા.