Wednesday, July 22, 2026
Homeરાજ્યજામનગરજામનગર: સમર્પણ જંકશન પર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વનું પગલું -...

જામનગર: સમર્પણ જંકશન પર ટ્રાફિક સમસ્યાના કાયમી ઉકેલ તરફ મહત્વનું પગલું – VIDEO

રૂા.50.07 કરોડના ફ્લાયઓવર બ્રિજનું કામ પ્રગતિમાં

જામનગર શહેરના સૌથી વ્યસ્ત જંકશનોમાં ગણાતા સમર્પણ જંકશન પર વર્ષોથી સર્જાતી ટ્રાફિકની સમસ્યાનો કાયમી ઉકેલ લાવવા માટે જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાયેલ ફોર-લેન ફ્લાયઓવર બ્રિજનું કામ પ્રગતિમાં છે. ‘સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના’ હેઠળ મંજૂર થયેલા આ મહત્ત્વાકાંક્ષી પ્રોજેક્ટના અમલીકરણથી શહેરના ટ્રાફિક વ્યવસ્થાપનમાં ઐતિહાસિક પરિવર્તન આવવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

- Advertisement -

અંદાજે કુલ રૂા.50.07 કરોડના ખર્ચે નિર્માણ પામી રહેલો આ આધુનિક ફ્લાયઓવર શહેરના વિકાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહન બનશે. હાલ બ્રિજની બંને બાજુ સર્વિસ રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરી પૂર્ણ થયા બાદ આગામી સમયમાં બ્રિજના પાઈલ ફાઉન્ડેશનનું કામ શરૂ કરવામાં આવશે. તંત્રના આયોજન મુજબ સમગ્ર પ્રોજેક્ટ ડિસેમ્બર-2027 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

- Advertisement -

આધુનિક ડિઝાઇન ધરાવતા આ ફ્લાયઓવર બ્રિજની કુલ લંબાઈ 680 મીટર અને પહોળાઈ 17 મીટર રહેશે, જેમાં ચાર લેનની સુવિધા ઉપલબ્ધ થશે. ઉપરાંત બંને બાજુ 5.50 મીટરના સર્વિસ રોડ બનાવવામાં આવશે જેથી સ્થાનિક વાહનવ્યવહાર પણ સરળતાથી થઈ શકે. 5.50 મીટરની ક્લીયર હાઇટને કારણે ભારે કન્ટેનર અને માલવાહક વાહનો પણ સરળતાથી અવરજવર કરી શકશે.

- Advertisement -

સમર્પણ જંકશન જામનગરના ઔદ્યોગિક અને બંદર વિસ્તારોને જોડતું મહત્વપૂર્ણ ટ્રાફિક કેન્દ્ર છે. રિલાયન્સ, નયારા, જીએસએફસી સહિતના મોટા ઉદ્યોગો તરફ જતા ભારે વાહનો તેમજ બેડી પોર્ટ અને રોઝી પોર્ટ તરફથી આવતા માલવાહક વાહનો આ માર્ગનો વ્યાપક ઉપયોગ કરે છે. હાલ ટ્રાફિકનું ભારણ વધુ હોવાથી વારંવાર લાંબા ટ્રાફિક જામ અને અકસ્માતોની સ્થિતિ સર્જાય છે. ફ્લાયઓવર કાર્યરત થયા બાદ થ્રુ-ટ્રાફિક ઉપરથી પસાર થશે, જેના કારણે જંકશન પરનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે.

આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ વાહનચાલકોને ટ્રાફિક જામમાંથી મોટી રાહત મળશે, મુસાફરીનો સમય ઘટશે, ઇંધણની બચત થશે તેમજ પ્રદૂષણમાં પણ ઘટાડો થશે. શહેરની વધતી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને લાંબા ગાળાનું આયોજન કરીને આવા વિકાસલક્ષી પ્રોજેક્ટ હાથ ધરવામાં આવી રહ્યા છે, જે જામનગરની આધુનિક ટ્રાફિક વ્યવસ્થા માટે મહત્વપૂર્ણ સાબિત થશે.

જામનગર મહાનગરપાલિકા અને રાજ્ય સરકાર દ્વારા શહેરની આંતરમાળખાકીય સુવિધાઓને મજબૂત બનાવવા સતત વિકાસલક્ષી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. સમર્પણ જંકશન ફ્લાયઓવર બ્રિજ પણ તે જ દિશામાં એક મહત્વપૂર્ણ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યો છે. નિર્ધારિત સમયમર્યાદામાં ગુણવત્તાસભર કામગીરી પૂર્ણ કરવા માટે તંત્ર દ્વારા આયોજનબદ્ધ રીતે કામગીરી આગળ વધારવામાં આવી રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ જામનગર શહેરની કનેક્ટિવિટી વધુ મજબૂત બનશે અને નાગરિકોને સુગમ, સુરક્ષિત તથા ઝડપી વાહનવ્યવહારની સુવિધા ઉપલબ્ધ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular