“Yoga for Healthy Ageing” થીમ સાથે મંત્રીશ્રી સહિતના મહાનુભાવો અને વિશાળ સંખ્યામાં નાગરિકોએ કર્યો યોગાભ્યાસ

કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોલકાત્તા ખાતેના તથા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માણસા ખાતેના યોગ દિવસ અંતર્ગતના કાર્યક્રમનું જીવંત પ્રસારણ સૌએ નિહાળ્યું
જામનગર ખાતે ૧૨મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ-૨૦૨૬ની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી રાજ્ય કક્ષાના શિક્ષણમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ, પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં હતી.
“Yoga for Healthy Ageing” થીમને કેન્દ્રમાં રાખી આયોજિત આ કાર્યક્રમમાં મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નાગરિકો, વિદ્યાર્થીઓ, યુવાનો, મહિલાઓ, વરિષ્ઠ નાગરિકો, સરકારી અધિકારીઓ-કર્મચારીઓ તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓએ સહભાગી બની યોગના માધ્યમથી સ્વસ્થ જીવન જીવવાનો સંદેશ આપ્યો હતો.
View this post on Instagram
યોગ નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ઉપસ્થિત સૌએ વિવિધ યોગાસનો, અને ધ્યાનની ક્રિયાઓ કરી હતી. સમગ્ર કાર્યક્રમ દરમિયાન યોગ દ્વારા સ્વસ્થ જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિમાં વધારો અને માનસિક એકાગ્રતા જેવા વિષયો અંગે જનજાગૃતિ ફેલાવવામાં આવી હતી.
આ કાર્યક્રમ માત્ર યોગાભ્યાસ પૂરતો મર્યાદિત ન રહી પરંતુ સમાજના તમામ વર્ગોમાં આરોગ્ય પ્રત્યે જાગૃતિ લાવવા અને ફિટ ઇન્ડિયાના સંકલ્પને વધુ મજબૂત બનાવવાનો સંદેશ ફેલાયો હતો. કાર્યક્રમના અંતે ઉપસ્થિત સૌએ નિયમિત યોગાભ્યાસ દ્વારા નિરોગી, સક્રિય અને સશક્ત જીવન જીવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
આ કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં કોલકત્તા ખાતે યોજાયેલા આંતરરાષ્ટ્રીય યોગ દિવસના કાર્યક્રમનું તથા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં માણસા ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત સૌએ નિહાળ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં યોગને માનવજાત માટે અમૂલ્ય ભેટ ગણાવી સૌ નાગરિકોને દૈનિક જીવનમાં યોગ અપનાવવા અને નિયમિત યોગાભ્યાસ કરવા પ્રેરિત કર્યા હતા.
કાયક્રમમાં જિલ્લા કલેક્ટર પી.બી.પંડયા, જિલ્લા વિકાસ અધિકારી નિશા, અગ્રણી ડો.વિનોદભાઈ ભંડેરી, નાયબ કલેક્ટરશ્રી સ્ટેમ્પ ડ્યુટી આદર્શ બસર, અગ્રણીઓ ભવાનભાઈ ચૌહાણ, સુનીલ રાઠોડ, ભવદીપ પંડ્યા, પોલીસ, હોમગાર્ડ્સ, રમતવીરો, વિદ્યાર્થીઓ, વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, આર્મી,નેવી અને એરફોર્સના જવાનો વગરે સહભાગી થયા હતા.


