Friday, June 19, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં શ્વાનો પર વધતા અત્યાચારથી પ્રાણીપ્રેમીઓમાં રોષ, કડક કાર્યવાહી માટે ફરી ઉઠી...

જામનગરમાં શ્વાનો પર વધતા અત્યાચારથી પ્રાણીપ્રેમીઓમાં રોષ, કડક કાર્યવાહી માટે ફરી ઉઠી માંગ – VIDEO

જામનગર શહેરમાં મૂંગા પશુઓ, ખાસ કરીને શ્વાનો પર થતા અત્યાચારના બનાવો સતત સામે આવી રહ્યા હોવાથી પ્રાણીપ્રેમીઓમાં ભારે રોષ અને ચિંતાની લાગણી વ્યાપી છે. થોડા સમય અગાઉ કામદાર કોલોની વિસ્તારમાં એક વ્યક્તિ દ્વારા શ્વાન પર હોકી વડે હુમલો કરવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાએ શહેરભરમાં ભારે ચર્ચા જગાવી હતી અને પ્રાણીપ્રેમીઓએ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી.

- Advertisement -

ગત સપ્તાહમાં જ અન્ય એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી, જેમાં એક વ્યક્તિએ બીજા માળેથી એક નિર્દોષ શ્વાનને નીચે ફેંકી દીધો હોવાનો વીડિયો પણ સામે આવ્યો હતો. આ ઘટનાને લઈને પણ જીવદયા પ્રેમીઓ અને પશુપ્રેમીઓએ તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કરીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી.

- Advertisement -

પ્રાણીપ્રેમીઓના જણાવ્યા મુજબ બંને બનાવોમાં પોલીસ સમક્ષ ફરિયાદો કરવામાં આવી હતી, પરંતુ અત્યાર સુધી કોઈ નક્કર અને અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે અસામાજિક તત્વોમાં કાયદાનો ડર રહ્યો નથી અને પશુઓ પર અત્યાચારની ઘટનાઓ ફરી ફરી બની રહી હોવાનું તેઓ માને છે.

અગાઉની ઘટનાઓમાં યોગ્ય પગલાં ન લેવાયા હોવાના આક્ષેપો વચ્ચે હવે વધુ એક વખત શ્વાન પર અત્યાચારનો બનાવ સામે આવતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે. તેઓનું કહેવું છે કે જો પ્રથમ ઘટનામાં જ જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી હોત તો આજે આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાત.

- Advertisement -

જીવદયા પ્રેમીઓ અને પશુ કલ્યાણ માટે કાર્યરત લોકો દ્વારા પોલીસ તંત્રને રજૂઆત કરીને આરોપીઓ સામે તાત્કાલિક ગુનો નોંધી કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. સાથે જ ભવિષ્યમાં કોઈ પણ મૂંગા જીવ પર અત્યાચાર કરનાર વ્યક્તિને કાયદાનું કડક ભાન કરાવવામાં આવે તેવી પણ માંગ ઉઠી છે.

પ્રાણીપ્રેમીઓનું માનવું છે કે શહેરમાં પશુઓ પર થતા અત્યાચારના બનાવો અટકાવવા માટે માત્ર ફરિયાદ નોંધવી પૂરતી નથી, પરંતુ જવાબદારો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી થવી જરૂરી છે. જેથી ભવિષ્યમાં કોઈ પણ વ્યક્તિ મૂંગા પશુઓ પર હાથ ઉપાડતા પહેલા અનેક વખત વિચાર કરે.

આ સમગ્ર મામલે હવે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે તેના પર પ્રાણીપ્રેમીઓ તેમજ શહેરવાસીઓની નજર મંડાઈ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular