રાજકોટ રેલવે ડિવીઝન દ્વારા પ્લેટફોર્મ ટિકીટના દરમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ડિવીઝન અંતર્ગત આવતા રેલવે સ્ટેશનો દ્વારકા, જામનગર, રાજકોટ, ભકિતનગર, સુરેન્દ્રનગર સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટનો ભાવ ત્રીસ રૂપિયાથી ઘટાડીને ફરીથી 10 રૂપિયા કરી દેવામાં આવ્યો છે. રેલવેના આ નિર્ણયથી યાત્રિઓને રાહત મળી છે.
રાજકોટ ડિવીઝનના સિનીયર ડિસીએમ અભિનવ જેફના જણાવ્યા અનુસાર આ નિર્ણય સાથે જ રાજકોટ ડિવીઝન અંતર્ગત આવતા તમામ 51 સ્ટેશનો પર પ્લેટફોર્મ ટિકીટનો ભાવ હવે એકસમાન રૂપિયા 10 રહેશે. આ નિર્ણયને આજથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, કોરોના કાળ દરમ્યાન રેલવે સ્ટેશનો પર યાત્રીઓની ભીડ ઓછી કરવા માટે પ્લેટફોર્મ ટિકીટના ભાવ વધારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. જે અનુસાર કેટલા સ્ટેશનો પર ટિકીટના ભાવ 10 રૂપિયાની વધારીને 30 રૂપિયા કરવામાં આવ્યો હતો. પરંતુ હવે કોરોનાની સ્થિતિ સામાન્ય થવા લાગતાં તેમજ ટ્રેનો પર નિયમિત રૂપે દોડવા લાગતા યાત્રીઓને રાહત આપવા માટે પ્લેટફોર્મ ટિકીટના ભાવમાં કરવામાં આવેલો હંગામી વધારો પરત ખેંચી લેવામાં આવ્યો છે. રેલતંત્ર દ્વારા લોકોને કોવિડ -19 ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.