દ્વારકામાં રહેતા એક આસામીનું પાનકાર્ડ ખોવાઈ જતા બીજું પાનકાર્ડ કઢાવ્યા પછી પહેલું મળી આવતા એક પાનકાર્ડ રદ કરવાના હેતુથી તેમણે દ્વારકાના ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટર સુનિલકુમાર અરવિંદકુમાર મીનાનો સંપર્ક કર્યો હતો. જેમણે પ્રથમ તો વિવિધ બાબતનો ભય બતાવીને રૂપિયા 10,000 ની માંગણી કર્યા બાદ આ સોદો રૂ. 3,000 માં થયા પછી અરજદાર આસામીએ એન્ટી કરપ્શન બ્યુરોનો સંપર્ક કર્યો હતો.
જેને અનુલક્ષીને એ.સી.બી. ઇન્સ્પેક્ટર આર.એન. વિરાણી દ્વારા મંગળવારે દ્વારકાની ઇન્કમટેક્સ કચેરી ખાતે લાંચનું છટકું ગોઠવીને આઈ.ટી. ઇન્સ્પેક્ટર સુનિલ મીનાને રૂ. 3,000 ની લાંચ લેતા રંગહાથ ઝડપી લીધા હતા. આ પ્રકરણમાં એ.સી.બી. પી.આઈ. પી.એ. દેકાવાડીયાએ આગળની તપાસ સંભાળીને આરોપી ઇન્કમટેક્સ ઇન્સ્પેક્ટરને કોર્ટમાં રજુ કરી, વિવિધ મુદ્દે પાંચ દિવસના રિમાન્ડની માંગણી કરતા અદાલતે બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આજથી આશરે ત્રણેક માસ પૂર્વે જ પરિવારજનો વગર દ્વારકા આવીને એકલા રહેતા નાની વયના આ અધિકારી લાંચમાં પકડાઈ જતા સ્થાનિક વર્તુળોમાં ભારે ચર્ચા મચી જવા પામી હતી.