જામજોધપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી મેઘરાજાની પધરામણી થઈ છે. સામાન્ય વરસાદી ઝાપટાથી દોઢ ઈંચ સુધી વરસાદ વરસ્યો હતો. જેના પરિણામે લોકોને ગરમીમાં થોડી રાહત મળી હતી.
ભાદરવો મહિનો પૂર્ણ થવા તરફ જઈ રહ્યો છે. ત્યારે રાજ્યના કેટલાંક જિલ્લાઓમાં હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે જામનગર શહેર જિલ્લામાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. ગઈકાલથી શહેરમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. જામજોધપુર પંથકમાં પણ વાતાવરણમાં પલ્ટો સાથે મેઘરાજાની ફરી પધરામણી જોવા મળી હતી. જામજોધપુર તાલુકાના શેઠવડાળામાં દોઢ ઈંચ (35 મિ.મી.) તથા વાંસજાળિયામાં અડધો ઈંચ (10 મિમી) વરસાદ વરસ્યો હતો. જ્યારે જામજોધપુર તાલુકાના ધુનડા, કાલાવડ તાલુકાના નિકાવામાં સામાન્ય વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં.
જામનગર શહેરમાં મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાતા શહેરીજનો ગરમીથી પણ પરેશાન થયા હતાં. લઘુતમ તાપમાન 25 ડિગ્રી, હવામાં ભેજનું પ્રમાણ 85 ટકા તથા પવનની ગતિ 8.1 કિ.મી. પ્રતિકલાક નોંધાઈ હતી.