જામનગર શહેરમાં પંચેશ્ર્વરટાવર પાસે વંડાફળીમાં રહેતાં વિપ્ર પ્રૌઢ વકીલને આંતરીને શખ્સે તમે મારા દિકરાના લગ્ન માટે વાપરવા આપેલું મકાન હવે ભુલી જજો અને આ મકાન મારી માલિકીનું છે તેમ કહી ગાળો કાઢી પતાવી દેવાની ધમકી આપી મકાન પચાવી પાડયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.

આ અંગેની વિગત મુજબ જામનગર શહેરના પંચેશ્વરટાવર પાસે આવેલા વંડાફળી શેરી નંબર-2 માં રહેતાં અને વકીલાત કરતાં મનિષભાઇ ચમનલાલ પંડયા (ઉ.વ.55) નામના પ્રૌઢ ગત તા. 23 ના રોજ રાત્રિના સમયે તેના એકટીવા પર સુપરમાર્કેટ પાસેથી પસાર થતા હતાં ત્યારે વિનાયક પાર્કમાં રહેતાં સાજીદ કાસમ ખફી નામના શખ્સે વકીલને ઉભા રાખીને ‘તમે નવાગામ ઘેડ ખાતે મને તમારું મકાન મારા દિકરાના લગ્નમાં વાપરવા આપેલું હતું તે મકાન હવે ભુલી જજો અને ભુલથી મકાન બાજુ આવતા નહીં.’ તેમ કહેતા વકીલે ‘મકાન તો મારી માલિકીનું છે’ તેમ જણાવતા ઉશ્કેરાયેલા સાજીદે વકીલને જેમ ફાવે તેમ ગાળો કાઢી હતી અને ‘આજ પછી તું નવાગામ ઘેડવાળા મકાને આવ્યો છો તો પતાવી દઈશ’ તેવી ધમકી આપી હતી. તેમજ મકાને રહેલાં ઈન્દ્રજીતસિંહ પરમાર નામના સિકયુરીટીને પણ સાજીદે ધમકાવીને ‘તારા શેઠને કહેજે કે અહીં મકાને આવે નહીં નહીંતર જોવા જેવી થાશે’ તેવી ધમકી આપી હતી.
લગ્ન માટે વાપરવા આપેલું મકાન પચાવી પાડી વકીલને જ ધમકી આપનાર શખ્સ વિરૂધ્ધ પીએસઆઈ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફે સાજીદ કાસમ ખફી વિરૂધ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.