ગુજરાતમાં વધી રહેલા ભ્રષ્ટાચારને રોકવા માટે સરકાર દ્વારા કડક પગલા લેવામાં આવશે. રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું છે કે જો મહેસૂલ વિભાગનો કોઈ પણ અધિકારી કે કર્મચારી કામ કરાવવા માટે પૈસા માંગે તો તેનું વીડિયો રેકોર્ડિંગ કરીને મને અને મારા વિભાગને મોકલજો.આ કર્મચારીઓ સામે પગલા લેવામાં આવશે.
રાજ્યના મહેસુલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી આવતીકાલે તમામ જિલ્લા કલેકટર અને પ્રાંત અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજવાના છે. જેમાં મહેસુલી પ્રશ્નોના જલ્દીથી નિકાલ અંગે અને નાગરિકોને મહેસુલી સેવાઓ પારદર્શકતાથી મળે તે માટે ચર્ચા કરવામાં આવશે. મહેસુલમંત્રીએ જણાવ્યું હતું કે જો મહેસુલ વિભાગનો કર્મચારી કામ કરવાના પૈસા માગે તો હવે તો લોકો પાસે મોબાઈલની સુવિધા છે તેઓ મોબાઈલમાં વિડીઓ રેકોર્ડ કરીને અમારા સુધી મોકલીને અધિકારીઓને ખુલ્લા પાડી શકે છે.
આ ઉપરાંત સ્થાનિક લેવલે કલેક્ટરોની કામગીરીની તપાસ કરવા માટે એક ટીમ બનાવવામાં આવશે અને કોઇપણ જીલ્લામાં ઓચિંતી તપાસ કરવામાં આવશે. આ સિવાય મહેસુલ મંત્રીએ ગુજરાતના નાગરિકો અને મીડિયાકર્મીઓને પણ ક્યાંય ખોટું થઇ રહ્યું હોય તો તે અંગે તાત્કાલિક કાર્યવાહી કરી શકાય તેના માટે સહકાર આપવા અપીલ પણ કરી છે.