Saturday, July 11, 2026
Homeરાજ્યજામનગરથાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ અને 'રામાયણ'ના શ્રીરામ ગગન મલિકની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ,...

થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ અને ‘રામાયણ’ના શ્રીરામ ગગન મલિકની શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ, જામનગર ખાતે ઐતિહાસિક મુલાકાત – VIDEO

ભારતીય સંસ્કૃતિ, આયુર્વેદ અને સંસ્કાર શિક્ષણના કાર્યોને વૈશ્વિક મંચ પરથી મળ્યું ગૌરવ; હર્બલ ગાર્ડનમાં પવિત્ર વૃક્ષારોપણ સાથે ભારત-થાઇલેન્ડ મિત્રતાનો આપ્યો સંદેશ

જામનગરની ધરતીએ શનિવારે એક ઐતિહાસિક, આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ક્ષણનો સાક્ષી બનવાનો ગૌરવ મેળવ્યો હતો. શહેરની અગ્રણી શૈક્ષણિક અને સંસ્કારધામ સંસ્થા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે થાઇલેન્ડના બૌદ્ધ ધર્મના ૨૦મા અને વર્તમાન સર્વોચ્ચ ધર્મગુરુ પૂજ્ય સોમદેત ફ્રા અરિયવોંગ્સાગતાયાન (Somdet Phra Ariyavongsagatanana) પોતાના વિશેષ પ્રતિનિધિમંડળ સાથે શુભ મુલાકાતે પધાર્યા હતા. તેમની સાથે લોકપ્રિય ટેલિવિઝન સીરિયલ ‘રામાયણ’માં ભગવાન શ્રીરામનું પાત્ર ભજવી દેશ-વિદેશમાં વિશેષ લોકપ્રિયતા મેળવનાર અભિનેતા ગગન મલિક પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -

આ આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની ઉપસ્થિતિએ સમગ્ર ગુરુકુળ પરિવાર માટે ગૌરવની ક્ષણ સર્જી હતી. ગુરુકુળ સંકુલમાં ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ તિલક, ચાંદલો, પુષ્પહાર અને વૈદિક મંત્રોચ્ચાર સાથે સૌનું ભવ્ય અને ભાવપૂર્ણ સ્વાગત કરવામાં આવ્યું હતું. સમગ્ર વાતાવરણ આધ્યાત્મિક ઉર્જા, સંસ્કૃતિ અને આત્મીયતાથી છલકાઈ ઉઠ્યું હતું.

મુલાકાત દરમિયાન પૂજ્ય ધર્મગુરુ અને તેમની ટીમે ગુરુકુળ સંચાલિત આયુર્વેદ હોસ્પિટલની વિસ્તૃત મુલાકાત લીધી હતી. હોસ્પિટલમાં પ્રાચીન ભારતીય આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિઓ, દર્દીઓ માટે ઉપલબ્ધ સારવાર, પંચકર્મ સહિતની વિવિધ સેવાઓ વિશે વિગતવાર માહિતી મેળવી હતી. ધર્મગુરુએ શ્રી સ્વામિનારાયણ ગુરુકુળમાં ચાલતી આયુર્વેદિક હોસ્પિટલ ની કામગીરીની પ્રશંસા કરી હતી

- Advertisement -

ભારતીય ઋષિ પરંપરાથી પ્રાપ્ત થયેલી આયુર્વેદ પદ્ધતિ આજે પણ માનવજાતના આરોગ્ય માટે કેટલો મહત્વપૂર્ણ વારસો છે તે અંગે તેમણે વિશેષ રસ દર્શાવ્યો હતો. હોસ્પિટલમાં આયુર્વેદના આધારે થઈ રહેલી સારવાર વ્યવસ્થા અને દર્દીકેન્દ્રિત સેવાઓને તેમણે અત્યંત પ્રશંસનીય ગણાવી હતી.

- Advertisement -

ગુરુકુળમાં ચાલી રહેલા શૈક્ષણિક કાર્યક્રમો, આધ્યાત્મિક શિક્ષણ, ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટેના પ્રયાસો તેમજ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે અમલમાં મૂકાયેલી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી મહાનુભાવોને આપવામાં આવી હતી.

ગુરુકુળમાં આધુનિક શિક્ષણની સાથે નૈતિક મૂલ્યો, રાષ્ટ્રભાવના, આધ્યાત્મિકતા અને સંસ્કારનું અનોખું સંકલન જોઈ થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ તથા ગગન મલિક સહિત સમગ્ર પ્રતિનિધિમંડળે પ્રસન્નતા વ્યક્ત કરી હતી.

હર્બલ ગાર્ડનમાં પવિત્ર છોડનું રોપણ કરી આપ્યો પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. આ યાદગાર મુલાકાતને ચિરંજીવ સ્મૃતિરૂપ બનાવવા ગુરુકુળના હર્બલ ગાર્ડનમાં વિશેષ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો.

પૂજ્ય સોમદેત ફ્રાના વરદહસ્તે ઔષધિય અને ધાર્મિક મહત્વ ધરાવતા કપૂર, રુદ્રાક્ષ અને બિલિપત્રના પવિત્ર છોડનું રોપણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે પ્રકૃતિનું સંરક્ષણ, પર્યાવરણ પ્રત્યેની જવાબદારી અને ભારતીય ઔષધિય પરંપરાના જતનનો પ્રેરણાદાયી સંદેશ આપવામાં આવ્યો હતો.

મુલાકાત દરમિયાન પૂજ્ય બૌદ્ધ ધર્મગુરુએ જણાવ્યું હતું કે ગુરુકુળ દ્વારા શિક્ષણ, માનવસેવા, સંસ્કાર અને આયુર્વેદના ક્ષેત્રમાં થઈ રહેલું કાર્ય સમગ્ર વિશ્વ માટે પ્રેરણારૂપ છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા સાંસ્કૃતિક અને આધ્યાત્મિક સંવાદ ભારત અને થાઇલેન્ડ વચ્ચેના ઐતિહાસિક સંબંધોને વધુ મજબૂત બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવશે.

તેમણે ભારતીય સંસ્કૃતિની સર્વસમાવેશક ભાવના અને વિશ્વકલ્યાણના સંદેશને પણ વિશેષ બિરદાવ્યો હતો.

‘રામાયણ’ સીરિયલમાં ભગવાન શ્રીરામના પાત્ર દ્વારા લાખો દર્શકોના હૃદયમાં વિશેષ સ્થાન મેળવનાર અભિનેતા ગગન મલિકની ઉપસ્થિતિ સમગ્ર કાર્યક્રમનું વિશેષ આકર્ષણ બની રહી હતી. ગુરુકુળની આધ્યાત્મિક પરંપરા, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કાર આધારિત શિક્ષણ વ્યવસ્થાની તેમણે પ્રશંસા કરી હતી.

મુલાકાતના અંતે થાઇલેન્ડના સર્વોચ્ચ બૌદ્ધ ધર્મગુરુ સોમદેત ફ્રા અરિયવોંગ્સાગતાયાન, અભિનેતા ગગન મલિક તેમજ પ્રતિનિધિમંડળના સભ્યોએ સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ પટેલના નિવાસસ્થાને પધરામણી કરી હતી.

અહીં પિયુષભાઈ પટેલ અને તેમના પરિવારજનોએ પૂજ્ય ધર્મગુરુના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તેમજ તમામ મહાનુભાવોને ભારતીય પરંપરા અનુસાર આત્મીયતાપૂર્વક ભોજન કરાવી સન્માનિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ દરમિયાન સૌહાર્દ, આધ્યાત્મિકતા અને ભારતીય અતિથિ દેવો ભવઃની ભાવના સ્પષ્ટપણે જોવા મળી હતી.

આ આંતરરાષ્ટ્રીય સ્તરની મુલાકાત માત્ર શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ માટે જ નહીં પરંતુ સમગ્ર જામનગર માટે ગૌરવની ક્ષણ બની રહી હતી. વિશ્વના અગ્રણી બૌદ્ધ ધર્મગુરુ અને જાણીતા કલાકારની ઉપસ્થિતિએ શહેરની શૈક્ષણિક, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક ઓળખને વૈશ્વિક સ્તરે નવી પ્રતિષ્ઠા અપાવી છે.

ગુરુકુળ દ્વારા વર્ષોથી શિક્ષણ, સંસ્કાર, માનવસેવા અને આયુર્વેદના ક્ષેત્રમાં થઈ રહેલા કાર્યોને આંતરરાષ્ટ્રીય મહાનુભાવોની પ્રશંસા મળતા સમગ્ર ગુરુકુળ પરિવાર તેમજ જામનગર પંથકમાં આનંદ અને ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. આ મુલાકાત ભારતની આધ્યાત્મિક પરંપરા, માનવસેવા અને વૈશ્વિક સાંસ્કૃતિક એકતાના સંદેશને વધુ મજબૂત બનાવતી ઐતિહાસિક ઘટના તરીકે યાદ રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular