Saturday, August 1, 2026
Homeરાજ્યજામનગરશું આપ વારંવાર સર્જાતી લિફટની સમસ્યાથી પરેશાન છો ? તો આ જરૂર...

શું આપ વારંવાર સર્જાતી લિફટની સમસ્યાથી પરેશાન છો ? તો આ જરૂર વાંચો

જામનગરમાં લિફટ મેઈન્ટેનન્સને લઇને કેવું ચાલે છે લોલમલોલ!!

જામનગર શહેરમાં આવેલા બહુમાળી રેસીડેન્સીયલ અને કોમર્શિયલ કોમ્પલેક્ષમાં લિફટના સંચાલન અને મેઈન્ટેનન્સમાં ભારે લાપરવાહી અને બેદરકારી દાખવવામાં આવતી હોવાનું સામે આવ્યું છે. શહેરમાં આવેલી અનેક ઈમારતોમાં જર્જરિત અને આયુષ્યપૂર્ણ કરી ચૂકેલી લિફટ જોવા મળી રહી છે જે ગંભીર અકસ્માતને આમંત્રણ આપી રહી છે સાથે-સાથે આવી ખખડધજ લિફટ અવાર-નવાર ખોટકાઇને બંધ પડી જતી હોવાથી જે-તે રહેણાંક કે કોમર્શિયલ ઈમારતના વપરાશકારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ર્ચર્યની વાત તો એ છે કે, અત્યંત મહત્વપૂર્ણ એવી લિફટસંબંધી ફરિયાદોના નિરાકરણ કરવા માટે જામનગર જેવા મહાનગરમાં કોઇ વ્યવસ્થા નથી. લોકોને એ પણ ખબર નથી કે આ અંગેની ફરિયાદ ક્યા કરવી ? અને જે લોકોની જવાબદારી છે તેઓ આંખ આડા કાન કરી કોઇ ગંભીર અકસ્માતની રાહ જોઇ રહ્યા છે.

- Advertisement -

જામનગર શહેરમાં ઝડપભેર બહુમાળી ઈમારતોનું નિર્માણ થઈ રહ્યું છે. આવી ઈમારતોની સંખ્યા પણ દિન-પ્રતિદિન વધી રહી છે ત્યારે સરકારના નિયમ મુજબ ત્રણ માળથી વધુ ઉંચાઈને રહેણાંક કે કોમર્શિયલ ઈમારતમાં જરૂરિયાત મુજબની લિફટની સુવિધા આપવી ફરજિયાત છે તેમજ નિયમ મુજબ આવી લિફટનું સમયાંતરે ઈન્સ્પેકશન કરાવીને તેનું ફિટનેસ પ્રમાણપત્ર સંબંધિત તંત્ર પાસેથી મેળવવું પણ જરૂરી છે. જો કોઇપણ લિફટ અનફિટ કે જોખમી જણાય તો લિફટ ઈન્સ્પેકટર તુરંત જ આ લિફટને બંધ કરાવી શકે છે તેમજ તેનું લાયસન્સ પણ રદ્દ કરી શકે છે પરંતુ, ખાટલે મોટી ખોટ એ છે કે, જામનગર શહેરમાં કોઇ લિફટ ઈન્સ્પેકટર જ નથી. વિદ્યુત નિરીક્ષકની કચેરી દ્વારા લિફટની મંજૂરી-મેઈન્ટેનન્સની જરૂરી પ્રક્રિયા કરવામાં આવે છે અને સર્ટીફિકેટ આપી દેવામાં આવે છે.

વિદ્યુત નિરીક્ષક પોતાના કાર્યભારને કારણે લિફટ ચકાસણીની બાબતમાં ગંભીર જણાતા નથી. મોટેભાગે ઓફિસમાં બેઠાં-બેઠાં કાગળ ઉપર જ મંજૂરી આપી દેવામાં આવે છે તેમજ જાળવણી અને સમારકામ થયાના પ્રમાણપત્રો પણ આપી દેવામાં આવે છે. ખાનગી એજન્સી દ્વારા શહેરમાં આવેલા કોમ્પલેક્ષની લિફટનું મેઈન્ટેનન્સ અને મરામતનું કામ કરવામાં આવતું હોય છે. આ એજન્સીની પહેલેથી જ અધિકારીઓ સાથે સાંઠગાંઠ અને ગોઠવણ થયેલી હોય, કોઇપણ જાતના સ્થળ નિરીક્ષણ વગર જ મંજૂરી આપી દેવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે, જે-તે રહેણાંક અને કોમર્શિયલ ઈમારતોના સંચાલકો પણ કે જેઓ પોતે આ લિફટનો નિયમિત ઉપયોગ કરતા હોય છે તેઓ પણ લિફટની જાળવણીને લઇને અત્યંત લાપરવાહી અને બેદરકારી દાખવતા જોવા મળી રહ્યા છે. લિફટના મેઈન્ટેનન્સ અને ફિટનેસ જોવાની જવાબદારી સામાન્ય રીતે લિફટ ઈન્સ્પેકટર, વિદ્યુત નિરીક્ષક અને જામ્યુકોના તંત્રની થાય છે પરંતુ, જામ્યુકોનું તંત્ર કોઇ અકસ્માત સમયે જ જે-તે સ્થળે પહોંચે છે અને રેસ્કયૂ કામગીરી હાથ ધરે છે. તે સિવાય ચકાસણી કે ચેક રાખવાની કોઇપણ કાર્યવાહી જામ્યુકોના તંત્ર દ્વારા કરવામાં આવતી નથી. લિફટ ઈન્સ્પેકટર તો અહીંયા છે જ નહીં, એટલે તેમના દ્વારા નિયમિત નિરીક્ષણનો કોઇ પ્રશ્ર્ન જ ઉભો થતો નથી. જ્યારે વિદ્યુત નિરીક્ષક ઓફિસમાં બેઠાં-બેઠાં એન.ઓ.સી. આપી દેતાં હોય છે. આવા સંજોગોમાં શહેરમાં એવી કેટલીય લિફટ હિચકોલા ખાઈ રહી છે જે ગમે ત્યારે કોઇપણ નિર્દોષ વ્યક્તિનો ભોગ લઇ શકે છે.

- Advertisement -

જ્યારે અકસ્માત થાય ત્યારે જ આપણાં તંત્રો જાગતા હોય છે તેને બદલે આવા અકસ્માતો થાય જ નહીં તે માટે સંબંધિત તંત્ર દ્વારા જો જામનગર શહેરમાં આવેલી તમામ લિફટનું પ્રામાણિકપણે ઈન્સ્પેકશન કરવામાં આવે તો શહેરની લગભગ અડધોઅડધ લિફટ રિજેકટ થઈ શકે તેમ હોવાનું કેટલાંક તજજ્ઞો જણાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular