આજે વહેલી સવારે સુરતના કડોદરા GIDCમાં આવેલ પેકેજીંગ મિલમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનામાં બે કામદારોના મૃત્યુ નીપજ્યા છે. રિવા પ્રોસેસ નામની કંપનીમાં આગ ફાટી નીકળતા 2લોકોના મૃત્યુ નીપજ્યા છે. જયારે કંપનીની અંદર ફસાયેલા 125થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. વિકરાળ આગના પરિણામે અનેક ભારે દોડધામ મચી ગઈ હતી. આગનો વિડીઓ પણ સામે આવ્યો છે.
કડોદરા રિવા પ્રોસેસમાં વહેલી સવારે 5વાગ્યા આસપાસ લાગેલી આગમાં 200 જેટલા લોકો ફસાયા હોવાની જાણ થતા સુરતની 25થી વધુ ફાયર ફાઇટરની ગાડીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. બેઝમેન્ટ અને ગ્રાઉન્ડ ફ્લોર પર આગ લાગી હતી. યાર્ન અને પ્લાસ્ટિકની બેગ બનાવવાના મટીરીયલને લઈ આગ ઉગ્ર બની હતી. અને પાચમાં માળેથી અમુક કામદારો જીવ બચાવવા પણ કુદ્યા હતા. એક કર્મચારી નીચે કૂદી પડતા એનું મોત નીપજ્યું હતું. જ્યારે એક કર્મચારીનો મૃતદેહ બેઝમેન્ટમાંથી સળગી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. તેમજ 15 જેટલા લોકો દાઝી જતા તેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં 80 ટકા આગ કાબુમાં આવી ગઈ છે.
સુરતના મેયર હેમાલીબેન બોધાવાલાએ કહ્યું કે, હાલમાં સ્થિતિ કાબુમાં છે. હાલ તમામને બચાવી લેવામાં આવ્યા છે. બહારના બાંધકામને તોડીને ફાયર બ્રિગેડના જવાનો અંદર જવાનો પ્રયત્ન કરી રહ્યા છે.