અમદાવાદની લાંચ રૂશ્વત વિરોધી શાખામાં થોડા દિવસ પહેલાં એક વેપારીએ એવી ફરીયાદ દાખલ કરી હતી કે, હથિયારનો પરવાનો મેળવવા માટે કલેકટર દ્વારા રૂા.5 લાખની માંગણી કરવામાં આવી હતી. ફરીયાદીએ એમ જણાવ્યું હતું કે, આરોપીએ રૂા.5 લાખના ચેકની માંગણી કરી હતી. ત્યારબાદ વધુ એક કિસ્સો નોંધાવા પામ્યો છે. આ કિસ્સામાં અધિકારીએ એમ જણાવ્યું હતું કે, લાંચની રકમ પોતાના બેંક ખાતામાં જમા કરાવવામાં આવે.આ અધિકારીએ વસ્ત્રોની ખરીદી માટે આ લાંચ માંગી હોવાનું જાહેર થયું છે.
એસીબીમાં દાખલ થયેલી ફરીયાદમાં જણાવવામાં આવ્યું છે કે, પાંચ લાખ ચૂકવ્યા પછી તેને હથિયારનો પરવાનો મળી ગયો છે. પરંતુ ત્યારબાદ ભુસ્તરશાસ્ત્રી સહિતના અધિકારીની ટીમ ફરી વખત આ ફરીયાદીને ત્યાં પહોંચી હતી અને લાંચની રકમની માંગણી કરી હતી. ફરીયાદીએ લાંચ આપવાનો ઇન્કાર કર્યા પછી ફરીયાદીનો હથિયારનો પરવાનો કલેકટર કચેરી દ્વારા રદ કરી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત ભૂસ્તરશાસ્ત્રીની ટીમે ખાણ કામ સંબંધે આ ફરીયાદીને રૂા.23.46 લાખનો દંડ પણ ફટકાર્યો છે. ફેબ્રુઆરીની છઠ્ઠી તારીખે એસીબીમાં ફરીયાદીએ આપેલી અરજીમાં આમ જણાવવામાં આવ્યું છે.
આ સમગ્ર પ્રકરણમાં સુજલામ સુફલામ પ્રકરણનો પણ ઉલ્લેખ થયો છે. અરજીમાં જણાવવામાં આવી છે કે, કલેકટરમાં એકાઉન્ટમાંથી સુજલામ સુફલામ યોજનામાં રૂા.72 લાખ શા માટે ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ? તે અંગે પણ વિજલ્સ શાખાએ તપાસ કરાવવી જોઇએ. સમગ્ર પ્રકરણ ભારે ચકચારી બન્યું છે.